જામનગર શહેરના સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં તાજેતરમાં ગાંજાના કેસમાં પકડાયેલ મહિલાના રહેણાંક મકાનમાં વીજચોરી જણાતા જામનગર સીટી એ પોલીસે પીજીવીસીએલને જાણ કરતા પીજીવીસીએલ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરી મહિલા આરોપીના ઘરનું વીજ જોડાણ કાપી નાખ્યું હતું.
આ અંગેની વિગત મુજબ જામનગર સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં નિયામત બેન ગુલમામદ શેખ નામના મહિલા વિરૂધ્ધ ગાંજાનો કેસ કરવામાં આવ્યો હતો. જેના રહેણાંક મકાનની તપાસ દરમ્યાન મહિલા આરોપીના ભોગવટા વાળા મકાનમાં પીજીવીસીએલનું મીટર લગાવેલ ન હોવાની અને થાંભલામાંથી ડાયરેક્ટ કનેકશન મેળવ્યું હોવાનું જાણવા મળ્યું હતું. આ બાબતે સીટી એ ના પીઆઇ એમ.બી.ગજ્જર તથા પીએસઆઇ બી.એસ.વાળા અને સર્વેલન્સ સ્ટાફને ધ્યાનમાં આવતા જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ અને નાયબ પોલીસ અધિક્ષક વરૂણ વસાવાના માર્ગદર્શન હેઠળ આ અંગે પીજીવીસીએલ ના અધિકારીઓને જાણ કરતા પીજીવીસીએલના અધિકારીઓ દ્વારા મહિલા દ્વારા પીજીવીસીએલનું મીટર લગાવ્યા વિના પીજીવીસીએલના થાંભલામાંથી ડાયરેક્ટ કનેકશન મેળવી વીજચોરી કરતા હોવાનું જણાતા વીજજોડાણ કાપી નાખ્યું હતું અને આગામી કાર્યવાહી હાથ ધરી હતી.