પાટણના ઊંઝા હાઇવે પર ગતરાત્રીના રોજ એક બેકાબુ ટ્રકની અડફેટે આવતા યુવકનું દર્દનાક મૃત્યુ નીપજ્યું છે. શહેરના ઊંઝા-પાટણ હાઇવે પાસે સર્કલ નજીક એક બાઈકચાલક ઉભો હતો ત્યારે બેકાબૂ ટ્રકે તેને અડફેટે લેતા યુવકે જીવ બચાવવાનો ઘણો પ્રયત્ન કર્યો પણ તે જીવ બચાવી શક્યો નહી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે.
અજય નામનો યુવક ધારપુર હાઇવે પર આવેલી અમૂલ ડેરીએ જવા માટે ઘરેથી નીકળ્યો હતો. એ દરમિયાન ઊંઝા ત્રણ રસ્તા પાસે રાત્રિના સમયે સિદ્ધપુર હાઇવે તરફ જતી પથ્થર ભરેલી ટ્રકના ચાલકે કાબૂ ગુમાવતાં રસ્તા પાસે ઊભેલા અજયને કચડી નાખ્યો હતો. અકસ્માત સર્જી ટ્રકચાલક નાશી છુટ્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી. બનાવ અંગે જાણ કરવામાં આવતાં પોલીસે ઘટના સ્થળે પહોચી ટ્રકચાલકને પકડવા તજવીજ હાથ ધરી હતી.
પાટણ શહેરમાં સર્જાયેલ અકસ્માતના CCTV ફુટેજ શેર કરી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે બેફામ ટ્રક ચાલકે દુધ સાગર ડેરીમાં નોકરી કરતા આશાસ્પદ યુવાન અજય રામાભાઈ ચૌધરીને કચડી નાંખ્યો. પરિવારે પોતાનો આધારસ્તંભ ગુમાવ્યો. મારી સંવેદહના મૃતકના પરિવાર સાથે છે, પરમાત્મા મૃતકના આત્માને શાંતિ આપે! તેઓએ વધુમાં જણાવ્યું છે કે આ સવાલ માત્ર એક યુવાન પુરતો નથી. આજે ગુજરાતમાં ચિક્કર દારૂપીને બેફામ હેવી વાહનો ચલાવતા ડ્રાઈવરો માંતેલા સાંઢની માફક અનેક પરિવારોને ઉજાડતા ફરી રહ્યાં છે. છતાં આપણા કાયદાઓ એટલા પાંગળા છે કે કોઈ ડ્રાઈવરોને કોઈ સજા થઈ શકતી નથી.