ખંભાળિયાની સરકારી સિવિલ હોસ્પિટલમાં સરકારની આરોગ્ય સુખાકારી વ્યવસ્થાથી નવું જીવન મળ્યું હોવાનો એકરાર કરતા હાલ ગાંધીનગર ખાતે રહેતા અને મૂળ ભાણવડ તાલુકાના વાનાવડના રહીશ ધીરજલાલ ગોપાલલાલ નકુમ અને તેમના ધર્મપત્નિના આંખમાં હરના આંસુ જોવા મળ્યા હતા. ગાંધીનગર ખાતે રહેતા અને મુળ વતન વાનાવડ ગામે કામ અર્થે વતનમાં આવેલ અને કોરોના થતા ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં દાખલ થયેલ ધીરજલાલ નકુમે જણાવ્યું હતું કે ખંભાળીયા જનરલ હોસ્પિટલના ડોક્ટરો, નર્સ સહિત અન્ય સ્ટાફની સખત મહેનતના પગલે તેમનું સ્વાસ્થ્ય સુધર્યું છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, જનરલ હોસ્પિટલમાં દાખલ થતાં સરકારશ્રીની મળતી સુવિધાઓના લીધે મારા અભિગમમાં બદલાવ આવ્યો અને અમે બન્ને જણાએ કોરોનાને હરાવ્યો. કોઇ મલ્ટીસ્પેશ્યાલીસ્ટ ખાનગી હોસ્પિટલ કરતાં પણ વધારે કાળજી સિવિલ હોસ્પિટલમાં લેવામાં આવેલ છે.
સતત ડોક્ટરોની દેખરેખ અને આરોગ્ય કર્મચારીની સારસંભાળના પગલે મારી અને મારા પત્નિની તબિયતમાં સુધારો જોવા મળ્યો છે. સમયસર દવાઓ, ઓક્સિજનના રીપોર્ટ સહિત તમામ પ્રકારની કાળજી આ હોસ્પિટલમાં લેવામાં આવી રહી છે. ધીરજલાલ નકુમે જણાવ્યું હતું કે સરકારનો અભિગમ આજે ખરા અર્થમાં અહીની જનરલ હોસ્પિટલમાં જોવા મળ્યો છે આ હોસ્પિટલમાં ઘરમા મળે તેનાથી વધારે સારૂ જમવાનું, નાસ્તો અને લીમ્બું પાણી મળતું હતું. પાંચ દિવસ હોસ્પિટલમાં રહીને બન્ને પતિ-પત્નિએ કોરોનાને મ્હાત આપી એસ્સાર કંપનીના કોવીડ કેર સેન્ટરમાં આઇસોલેસન કરવામાં આવ્યા હતા. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાના દર્દીઓને સારવાર મળી રહે તે માટે અનેક પ્રયત્નો સરકાર અને જિલ્લા વહિવટી તંત્ર દ્વારા થઇ રહ્યા છે. જિલ્લામાં કોરોના ટેસ્ટની લેબ પણ શરૂ કરી દેવામાં આવી છે. સરકારશ્રીનો અભિગમ હમેશાં સંવેદનશીલ રહ્યો છે. નાગરિકોના આરોગ્ય સ્વાસ્થ્યની જાળવણી માટે સરકારે હમેશાં કટિબદ્ધતા દર્શાવી છે.
ખંભાળિયાની સિવિલ હોસ્પિટલમાં કોરોના દર્દીઓની સારવારથી અનેકને મળ્યું નવજીવન
સરકારની આગોતરી વ્યવસ્થા અને ડોકટરોએ જીવાડયાઃ દર્દી