જામનગર શહેરમાં હિરજી મિસ્ત્રી રોડ આવેલી પંજાબ નેશનલ બેંક શાખાના સટ્ટર તોડી તસ્કરોએ ચોરીનો પ્રયાસ કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી તસ્કરને ગણતરીના કલાકોમાં જ દબોચી લઇ પૂછપરછ હાથ ધરી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં હિરજી મિસ્ત્રી રોડ પર આવેલી પંજાબ નેશનલ બેંકની શંકરટેકરી બ્રાન્ચમાં ગત તા. 12 ના સાંજના 6:30 થી તા.15 જાન્યુઆરી સવારે 9 વાગ્યા સુધીના સમય દરમિયાન અજાણ્યા તસ્કરો ત્રાટકયા હતાં અને તસ્કરોએ બેંકના સટ્ટરના તાળા તોડી અંદર પ્રવેશ કર્યો હતો. તસ્કરોએ બેંકની સ્ટ્રોંગરૂમની દિવાલ તોડવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. તસ્કરો દ્વારા ચોરી માટે કરાયેલા તમામ પ્રયાસો નિષ્ફળ જતાં લીલામોઢે પરત ફરવું પડયું હતું. સોમવારે સવારે બેંકના કર્મચારી નીતુ સીતારામ શાહ દ્વારા જાણ કરાતા પીએસઆઈ એસ.એમ. સિસોદીયા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ તપાસ આરંભી હતી અને પોલીસે સીસીટીવી ફુટેજો તપાસી ચોરીનો પ્રયાસ કરનાર તસ્કરના ફુટેજોના આધારે ગણતરીના કલાકોમાં જ દબોચી લઇ તેની પાસેથી ચોરીમાં ઉપયોગમાં લીધેલો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી હતી.