જામનગર શહેરમાં છેલ્લાં થોડાંક સમયથી વધી રહેલા ઘરફોડ ચોરીના બનાવો ડામવા માટે પોલીસ દ્વારા સઘન કામગીરી અંતર્ગત સીસીટીવી ફુટેજની મદદથી ત્રણ શખ્સોને દબોચી લઇ તેમની પાસેથી રૂા.4.46 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લઇ વધુ તપાસ આરંભી હતી.
મળતી વિગત મુજબ, જામનગર શહેર અને જિલ્લામાં વધતા જતા ચોરીના બનાવો ડામવા માટે જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી તપાસ હાથ ધરવામાં આવી હતી. હાલમાં જ સેતાવાડ પાસે આર્કિટેકના રહેણાંક મકાનમાંથી થયેલી ચોરીમાં સંડોવાયેલા તસ્કરો અંગેની બાતમી મળતા ડીવાયએસપી વરુણ વસાવાના માર્ગદર્શન મુજબ પીઆઈ એમ.બી. ગજ્જર, પીએસઆઈ બી.એસ.વાળા, હેકો દેવાયતભાઈ કાંબરીયા, મહિપાલસિંહ જાડેજા, રવિરાજસિંહ જાડેજા, રવિન્દ્રસિંહ પરમાર, સુનિલભાઈ ડેર, પો.કો. શિવરાજસિંહ રાઠોડ, રવિરાજસિંહ જાડેજા, યોગેન્દ્રસિંહ સોઢા, વિક્રમસિંહ જાડેજા, ખોડુભા જાડેજા, શૈલેષભાઈ ઠાકરિયા, રાજેન્દ્રસિંહ ડોડિયા, રૂષિરાજસિંહ જાડેજા, રવિભાઈ શર્મા, મહેન્દ્રભાઈ પરમાર સહિતના સ્ટાફે અજય બેવાસી, સુનિલ ઉર્ફે કાલી બુલી, ચોચો રમેશ કાંજીયા નામના ત્રણ શખ્સોને દબોચી લીધા હતાં.
પોલીસે ત્રણ શખ્સો પાસેથી રૂા.85,000 ની કિંમતનો એક સોનાનો ચેઈન, રૂા.40,000ની કિંમતનો સોનાનો હાર, રૂા.9000 ની કિંમતનું સોનાનું પેંડલ, રૂા.11,000ની કિંમતની સોનાની બુંટી, રૂા.9300 ની કિંમતની વીંટી, રૂા.1,75,000 ની કિંમતના સોનાના પાટલા, રૂા.14,600 ની કિંમતની સોનાની બુટી, રૂા.35,000 ની કિંમતનો સોનાનો ચેઈન, ચાંદીનો જુડો સહિતના સોના-ચાંદીના દાગીના અને રૂા.31,000 ની રોકડ મળી કુલ રૂા.4,46,250 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ ચોરીનો ભેદ ગણતરીના દિવસોમાં જ ઉકેલી દીધો છે.