જામનગર મહાનગરપાલિકા દ્વારા નલ સે જલ યોજના અંતર્ગત પાણીની પાઇપલાઇન નાખવાની કામગીરી ચાલી રહી છે. હાલ શહેરના વોર્ડ નં. 6ની સોસાયટીઓમાં ટેન્કર દ્વારા પાણી વિતરણ થકાય છે. જે પાઇપલાઇન નખાતા પાઇપલાઇન મારફત પાણી વિતરણ ચાલુ થયા બાદ ટેન્કર બંધ કરવામાં આવશે. આથી નાગરિકોને નળ કનેકશનના ચાર્જ ભરી પહોંચ મેળવી લેવા મહાનગરપાલિકાની યાદી જણાવે છે.
જામનગર મહાનગરપાલિકાની વોટર વર્કસ શાખા દ્વારા જામનગર શહેરમાં નલ સે જલ યોજનાની ગ્રાન્ટ અન્વયે ગોકુલનગર ઝોન તથા મહાપ્રભુજી બેઠક ઝોનમાં નવા ભળેલ વિસ્તારોમાં નવી ડી.આઈ. પાઈપલાઈન નાખવાનું કામ ચાલુ છે. જેમાં વોર્ડ ન. 6માં યોગેશ્ર્વરધામ સોસાયટી, સ્વામિનારાયણધામ સોસાયટી, સાઈરામ સોસાયટી-બી, બાલાજી પાર્ક-2 અને 3, નંદન પાર્ક તેમજ વોર્ડ નં.11માં સામતપીર, વણકરવાસ, શ્યામગ્રીન સોસાયટી, રાજહંસ સોસાયટી, પ્રગતિ પાર્ક વિગેરે વિસ્તારોમાં નવી ડી.આઈ. પાઈપલાઈન નાખવામાં આવી છે. હાલ આ તમામ સોસાયટીઓના જોડાણના કાર્યો તથા પાઈપલાઈન ટેસ્ટીંગની કામગીરી પ્રગતિ હેઠળ છે. ટુકસમયમાં આ તમામ વિસ્તારોમાં પાઈપલાઈન દ્વારા પાણી વિતરણ ચાલુ કરવામાં આવશે. હાલ આ તમામ સોસાયટીઓમાં વોટર ટેન્કર દ્વારા પાણી વિતરણ કરવામાં આવે છે. જેની કુલ 23 ટ્રીપો થાય છે. ટેન્કરની ટ્રીપો પાઈપલાઈન મારફત પાણી વિતરણ ચાલુ થયા બાદ બંધ કરવામાં આવશે જેની લગત સોસાયટીઓના રહેવાસીઓને ધ્યાને લેવા તેમજ નવી પાઈપલાઈનમાંથી નળ કનેક્શન મહાનગરપાલિકામાં જરૂરી નિયમોનુસાર ચાર્જ ભરીને મ.ન.પા.ના લાયસન્સ ધરાવતા પ્લમ્બર પાસે કરાવવા મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવે છે. વધુમાં આ તમામ વિસ્તારોના નાગરિકોનોને આ બાબતે સહકાર આપીને મહાનગરપાલિકામાં શક્ય હોય ત્યાં સુધી ચેકથી જ નળ કનેક્શનના ચાર્જ ભરીને પહોંચ મેળવી લેવા અપીલ કરવમાં આવે છે.