રાજીવ ગાંધી હત્યાકાંડ સાથે સંકળાયેલા કેસમાં સુપ્રીમ કોર્ટે મહત્વનો નિર્ણય લીધો છે. સુપ્રીમ કોર્ટે રાજીવ ગાંધી હત્યાકાંડના દોષી એ. જી. પેરારિવલનને મુક્ત કરવા માટેનો આદેશ આપી દીધો છે. ઉલ્લેખનિય છે કે, પેરારિવલન 31 વર્ષથી જેલમાં બંધ છે. સુપ્રીમ કોર્ટે 2 મહિના પહેલા પેરારિવલનના સારા વર્તનના કારણે તેમને જામીન આપવા આદેશ આપ્યો હતો. જોકે જામીન છતાં તે જેલમાં બંધ હતા. ત્યારે હવે સુપ્રીમ કોર્ટે અનુચ્છેદ 142નો ઉપયોગ કરીને પેરારિવલનની મુક્તિ માટે આદેશ આપ્યો છે.
21 મે 1991ના રોજ તમિલનાડુ ખાતે એક ચૂંટણી રેલી દરમિયાન એક આત્મઘાતી હુમલામાં દેશના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યા કરવામાં આવી હતી. તે મામલે પેરારિવલન સહિત 7 લોકોને દોષી ઠેરવવામાં આવ્યા હતા. આ કેસમાં ટાડા અદાલત અને સુપ્રીમ કોર્ટે પેરારિવલનને મૃત્યુની સજા સંભળાવી હતી. બાદમાં દયા અરજીની સુનાવણીમાં વિલંબના કારણે પેરારિવલનની મૃત્યુની સજાને ઉંમરકેદમાં ફેરવી દેવામાં આવી હતી. ત્યાર બાદ તમિલનાડુ સરકારે તેમની ઉંમરકેદને ખતમ કરીને મુક્ત કરી દેવા માટે એક રિજોલ્યુશન પાસ કર્યું હતું. પેરારિવલન પર હત્યાકાંડમાં બોમ્બ વિસ્ફોટ માટે ઉપયોગમાં લેવામાં આવેલી 9 વોલ્ટની 2 બેટરી ખરીદીને માસ્ટરમાઈન્ડ શિવરાસનને આપવાનો દોષ સિદ્ધ થયો હતો. હત્યાકાંડ વખતે પેરારિવલનની ઉંમર 19 વર્ષની હતી અને તે હાલ છેલ્લા 31 વર્ષોથી જેલના સળિયા પાછળ છે. નિર્ણય પેરારિવલનના પક્ષમાં આવ્યો છે ત્યારે હવે નલિની શ્રીહરન, મરૂગન, એક શ્રીલંકન નાગરિક સહિતના આ કેસના અન્ય 6 દોષિતોની મુક્તિની આશા પણ જાગશે.