Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં તૈયાર છે રાજયનો પ્રથમ વેસ્ટ ટૂ એનર્જી પ્લાન્ટ

જામનગરમાં તૈયાર છે રાજયનો પ્રથમ વેસ્ટ ટૂ એનર્જી પ્લાન્ટ

જામનગરનો 300 ટન ઘન કચરો આપશે પાંચ મેગાવોટ વિજળી

- Advertisement -

બે વર્ષના વિલંબ બાદ આખરે જામનગરમાં રાજયનો પ્રથમ વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ તૈયાર થઇ રહ્યો છે. શહેરમાંથી નિકળતા કચરાનો ઉપયોગ કરીને આ પ્લાન્ટ દ્વારા વિજળી ઉત્પન્ન કરવામાં આવશે. આ પ્લાન્ટ કાર્યરત થતા શહેરના પર્યાવરણને ફાયદો થશે સાથે-સાથે શહેરની ભાગોળે સમસ્યાનું ઘર બની ગયેલો કચરાનો ડમ્પીંગ પોઇન્ટ પણ નાબુદ થશે.

જામનગરમાં ગાંધીનગર પાછળ 17 એકર જમીન પર પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો છે.એબેલોન કિલન એનર્જી લિ. દ્વારા અંદાજે રૂા. 80 કરોડના ખર્ચે આ પ્લાન્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેનું ખાતમુહૂર્ત જાન્યુઆરી 2017 માં કરવામાં આવ્યું હતું. આમ તો 18 મહિનામાં આ પ્રોજેકટ પૂરો થઈ જવો જોઇતો હતો. પરંતુ પ્રારંભિક વિલંબ અને બાદમાં કોરોનાને કારણે આવી પડેલા લોકડાઉનને કારણે પ્રોજેકટ તૈયાર થવામાં બે વર્ષનો વિલંબ થયો છે. તાજેતરમાં આ પ્લાન્ટનું ટેસ્ટીંગ પણ કરી લેવામાં આવ્યું છે અને મેયર સહિતના પદાધિકારીઓ પ્લાન્ટની મુલાકાત પણ લઇ ચૂકયા છે. જો કે, આ તૈયાર પ્લાન્ટને કયારે કાર્યરત કરવામાં આવશે તે કહેવા કોઇ તૈયાર નથી.

- Advertisement -



વેસ્ટ ટૂ એનર્જી પ્લાન્ટના જામનગરના સ્થિત અધિકારી શિવાંગ પંડયાના જણાવ્યા અનુસાર વિજઉત્પાદન માટે પ્લાન્ટ તૈયાર છે. ટેસ્ટીંગ પણ કરી લેવામાં આવ્યું છે. તેમના જણાવ્યા અનુસાર પ્લાન્ટની ક્ષમતા દૈનિક 450 ટન ઘન કચરાનો ઉપયોગ કરી છે. સાત મેગાવોટ વિજળી ઉત્પન્ન કરવાની છે. જો કે, પ્રારંભમાં 250 થી 300 ટન કચરાનો ઉપયોગ કરીને 4 થી 5 મેગાવોટ વિજળી ઉત્પન્ન કરી શકાશે. ત્યારબાદ જેમ જેમ કચરાની ઉપલબ્ધતા થતી જશે તેમ ઉત્પાદન ક્રમશ: વધારીને 7 મેગાવોટ સુુધી કરી શકાશે.

જો કે, પ્લાન્ટ કાર્યરત કરવામાં થઈ રહેલા વિલંબ માટે કંપની સતાવાળાઓ અને જામ્યુકોના સતાધિશો દોષનો ટોપલો જેટકો ઉપર ઢોળવાનો પ્રયાસ કરી રહ્યા છે. જ્યારે જેટકોના અધિકારીઓ કંઈક અલગ જ જણાવી રહ્યા છે.

આ પ્લાન્ટ પીપીપીના ધોરણે તૈયાર કરવામાં આવ્યો છે જે માટે જામ્યુકો અને એબેલોન એનર્જી દ્વારા એેમઓયુ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત જામ્યુકો દ્વારા કંપનીને 17 એકર જમીન ફાળવવામાં આવી છે. જ્યારે પ્લાન્ટ ચલાવવા માટે જરૂરી ઘન કચરો પણ જામ્યુકો દ્વારા પૂરો પાડવામાં આવશે. સોલીડ વેસ્ટ વિભાગના નાયબ ઈજનેર શિંગોળાના જણાવ્યા અનુસાર, શહેરમાંથી હાલ સરેરાશ 300 ટન જેટલો ઘન કચરો નિકળે છે. જે પ્લાન્ટ કાર્યરત થઈ જતાં ત્યાં પહોંચાડવામાં આવશે. કંપનીના અધિકારી શિવાંગ પંડયા પ્લાન્ટ તૈયાર હોવાનું તો જણાવી રહ્યા છે. પરંતુ પ્લાન્ટ કાર્યરત કરવાની ચોકકસ તારીખ આપતા ખચકાઇ રહ્યા છે. બીજી તરફ જામ્યુકોના સતાધિશો પણ આ તૈયાર પ્લાન્ટ કયારે કાર્યરત થશે તે અંગે અવઢવની સ્થિતિમાં જણાય રહ્યા છે. કદાચ લોકાર્પણની વિધિને લઇને આ સ્થિતિ પ્રવર્તી રહી હોવાનું સમજાય રહ્યું છે.

પ્લાન્ટથી જામનગરને શું થશે ફાયદો

જામનગરમાં વેસ્ટ ટૂ એનર્જી પ્લાન્ટ કાર્યરત થતા સૌથી મોટો ફાયદો પર્યાવરણને થશે. હાલ શહેરમાંથી નિકળતા ઘન કચરાને ગુલાબનગર પાસે ખુલ્લા ડમ્પીંગ પોઇન્ટમાં ડમ્પ કરવામાં આવે છે. જેને કારણે ગંદકી અને આરોગ્યને લગતી સમસ્યાઓ ઉભી થાય છે. પ્લાન્ટ કાર્યરત થયા બાદ કચરાનું ડમ્પીંગ બંધ થઈ જશે અને ડમ્પીંગ સાઈટ પરના હાલના કચરાના ઢગ પણ સાફ થઈ જશે. આ પ્રોજેકટ શહેરને ભવિષ્યમાં સ્માર્ટ સીટી તરફ લઇ જશે અને જામનગરનું રેન્કીંગ પણ વધી જશે. એટલું જ નહીં જામ્યુકોને આર્થિક ફાયદો પણ થશે. કરાર મુજબ 10 થી 15 વર્ષ જામ્યુકોને રૂા.150 લાખ અને 15 થી 20 વર્ષ રૂા.50 લાખનું વળતર મળશે.

- Advertisement -

કંપની ઈચ્છે તો કાલથી પ્લાન્ટ ચાલુ કરી શકે છે : જેટકો

પ્લાન્ટ કાર્યરત કરવામાં જેટકો તરફથી થઈ રહેલા વિલંબના આક્ષેપો અંગે જેટકોના સુપ્રિ. ઈજનેર એસ.જી. કાનજીયાનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, અમારા તરફથી બધી જ કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે. પ્લાન્ટથી સબ સ્ટેશન સુધીનો અંડરગ્રાઉન્ડ કેબલ પણ ચાર્જ કરી દેવામાં આવ્યો છે. જો કંપની ઈચ્છે તો આવતીકાલથી પ્લાન્ટ ચાલુ કરી શકે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular