Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરરાજ્ય સરકાર લઘુતમ ટેકાના ભાવથી તુવેર, ચણા અને રાયડાની ખરીદી કરશે :...

રાજ્ય સરકાર લઘુતમ ટેકાના ભાવથી તુવેર, ચણા અને રાયડાની ખરીદી કરશે : કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ

લઘુતમ ટેકાના ભાવે પાક વેચાણ કરવા ઇચ્છુક ખેડૂતે ઓનલાઇન નોંધણી કરાવી લેવા મંત્રીનો અનુરોધ

- Advertisement -

કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું છે કે, ચાલુ વર્ષે ચણા સહિતના રવિ સિઝનના પાકોનું વધુ વાવેતર થવાથી ઉત્પાદન વધવાની સંભાવનાને પગલે કેન્દ્રિય કૃષિ મંત્રીને ચણાનો વધુ જથ્થો ખરીદવા વિનંતી કરવામાં આવી હતી.

- Advertisement -

મંત્રીએ ઉમેર્યું કે, ખેડૂતોને તેઓના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ભારત સરકારે વર્ષ ૨૦૨૧-૨૨ માં તુવેર માટે રૂ. ૧૨૬૦ પ્રતિ ૨૦ કી.ગ્રા(મણ), ચણા માટે રૂ. ૧૦૫૦ પ્રતિ ૨૦ કી.ગ્રા (મણ), અને રાયડા માટે રૂપિયા ૧૦૧૦ પ્રતિ ૨૦ કી.ગ્રા(મણ) લઘુત્તમ ટેકાના ભાવ જાહેર કરેલા છે. રાજયમાં ખરીફ/રવિ સીઝન ૨૦૨૧-૨૨માં લઘુતમ ટેકાના ભાવે તુવેરની ખરીદી તા.૧૫/૦૨/૨૦૨૨ અને ચણા તથા રાયડાની ખરીદી તા.૦૧/૦૩/૨૦૨૨ થી રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત ગુજરાત સ્ટેટ કોઓપરેટીવ માર્કેટીંગ ફેડરેશન લી., અમદાવાદ મારફતે કરવામાં આવનાર છે.

મંત્રીએ કહ્યું કે, લઘુતમ ટેકાના ભાવે તુવેર, ચણા અને રાયડોનું વેચાણ કરવા ઇચ્છા ધરાવતા ખેડૂતોની ઓનલાઇન વિના મુલ્યે નોંધણી  સમગ્ર રાજ્યમાં સ્થાનિક/ ગ્રામ્ય કક્ષાએ VCE દ્વારા તા.૦૧/૦૨/૨૦૨૨ થી તા.૨૮/૦૨/૨૦૨૨ સુધી કરવામાં આવશે. તે મુજબ તમામ ખેડૂતોએ નોંધણી કરાવવી જરૂરી છે. નોંધણીનો તમામ ખર્ચ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવતો હોઈ ખેડૂતોએ નોંધણી માટે VCE ને કોઈપણ પ્રકારની રકમ ચૂકવવાની રહેતી નથી.

- Advertisement -

નોંધણી માટે જરૂરી પુરાવા જેવા કે આધાર કાર્ડની નકલ, અદ્યતન મહેસૂલી રેકર્ડ ગામ નમુનો ૭, ૧૨, ૮-અની નકલ, ગામ નમુના ૧૨માં પાક વાવણી અંગે એન્ટ્રી ન થઇ હોય તો પાકની વાવણી અંગેનો તલાટીના સહી સિક્કા સાથેનો દાખલો, ખેડુતના નામના બેન્ક ખાતાની વિગત જેમ કે બેન્ક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ સાથે લાવવાની રહેશે.

રાજ્યમાં તુવેર, ચણા અને રાયડા પકવતા ખેડૂતો તેઓનો પાક લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છુક હોય તેઓની ઓનલાઇન નોંધણી ફરજીયાત હોઇ આ માટે સંબંધિત ગ્રામ પંચાયતનો સંપર્ક કરી નોંધણી કરાવવા મંત્રીએ ખાસ અનુરોધ કર્યો છે. નોંધણી બાબતે કોઇ મુશ્કેલી જણાય તો સવાર ૯-૦૦ થી સાંજના ૬-૦૦ સુધી  હેલ્પલાઇન નંબર ૦૭૯-૨૬૪૦૭૬૦૯, ૨૬૪૦૭૬૦૧૦, ૨૬૪૦૭૬૦૧૧, અને ૨૬૪૦૭૬૦૧૨ ઉપર સંપર્ક કરવાનો રહેશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular