રાજયના ત્રીજા વર્ગના સરકારી કર્મચારીઓની ભરતી પરીક્ષાના નવા નિયમો બહાર પાડયા બાદ ચાલુ વર્ષે 6 હજાર જેટલી કલાર્ક, હેડ કલાર્ક સંવર્ગની સરકાર મોટાપાયે ભરતી થવા જઈ રહી છે. મહેસુલી તંત્ર, જીલ્લા કલેકટર વગેરે માટે સપ્ટેમ્બર મહિનામાં ગૌણ સેવા પસંદગી મંડળ અંતર્ગત થનારી આ ભરતી માટે પ્રિલીમ પરીક્ષા લેવામાં આવશે. તે ઉપરાંત વાહન વ્યવહાર વિભાગ દ્વારા 3500 જેટલા ડ્રાઈવર-કંડકટર અને મિકેનીકની પણ ભરતી કરવામાં આવશે.
છેલ્લા કેટલાંક વર્ષોમાં પેપર લીક અને ગેરરીતી પછી તાજેતરમાં માંડ શરૂ થયેલી સરકારી ભરતી પરીક્ષાઓ સફળ રીતે લેવાયા બાદ હવે નવા નિયમોના અમલ સાથે સેંકડો ભરતીની યોજના આગળ વધારાશે. જેના કારણે સ્પર્ધાત્મક પરીક્ષાની રાહ જોઈને બેઠેલા ઉમેદવારોને ફાયદો થશે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એપ્રિલ મહિનામાં વિવિધ વિભાગો પાસે કલાર્ક સંવર્ગ અને ઓફીસ આસીસ્ટન્ટ અંગે ખાલી જગ્યાની માહીતી માંગવામાં આવી હતી. જે મે મહિનામાં મોકલવા જણાવાયું હતું. આ માટેની પ્રિલીમ પરીક્ષા સપ્ટેમ્બરમાં લેવાનું આયોજન છે. જેમાં જે ઉમેદવારો પાસ થશે તેમની મુખ્ય પરીક્ષા લેવાશે.મહેસુલી તંત્રનાં વિભાગના હેડ કલાર્ક, જુનિયર કલાર્ક, અને કલાર્કની જગ્યાઓ પણ તેમાં ભરાશે. અન્ય વિભાગોમાં પણ જરૂરીયાત મુજબ આગામી સમયમાં ભરતી કરવામાં આવશે. રાજય સરકારે જાહેર કરેલી ભરતી પરીક્ષાનાં નવા નિયમો મુજબ ગ્રુપ એમાં ઓફીસ આસીસ્ટંટ, કલેકટર ઓફીસનાં હેડ કલાર્ક અને સીનીયર કલાર્ક અને ગ્રુપ બીમા ખાતાના વડાની કચેરીનાં જુનીયર કલાર્કનો સમાવેશ થાય છે. તેમાંથી ઉમેદવારો બન્ને અથવા અલગ ગ્રુપની પસંદગી પણ કરી શકે છે.
વાહન વ્યવહાર વિભાગ દ્વારા એસ.ટી.નિગમમાં પણ મોટાપાયે ભરતી કરવામાં આવશે.વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના જણાવ્યા મુજબ વર્ષ 2023-24 માં એસટી નિગમ દ્વારા ડ્રાઈવરની 2100, કંડકટરની 1300 અને મિકેનીક પરીક્ષા માટે ઉમેદવારોની ભરતી કરવામાં આવશે આ માટે ટુંક સમયમાં જાહેરાત કરાશે.