Sunday, March 1, 2026
Homeરાજ્યજામનગરદ્વારકા ફુલડોલ યાત્રામાર્ગ પર શાહી સેવા કેમ્પોની ઝળહળાટી - VIDEO

દ્વારકા ફુલડોલ યાત્રામાર્ગ પર શાહી સેવા કેમ્પોની ઝળહળાટી – VIDEO

પદયાત્રીઓ માટે ભક્તિ, ભાવના અને ભવ્યતા નો અનોખો સંગમ

દ્વારકા ફુલડોલ મહોત્સવ માટે પગપાળા જતા લાખો પદયાત્રીઓ માટે યાત્રામાર્ગ પર સેવા કેમ્પોની હારમાળાઓ જોવા મળી રહી છે. ખાસ કરીને ખંભાળિયા નજીક વડત્રા વિસ્તાર પાસે કેટલાક સેવા કેમ્પો તો એટલા ભવ્ય અને શણગારસભર દેખાઈ રહ્યા છે કે પ્રથમ નજરે જોતા એવું લાગે જાણે કોઈ શ્રીમંત પરિવારના લગ્ન પ્રસંગની સજાવટ કરવામાં આવી હોય.

- Advertisement -

દૂરથી જ ઝળહળતી રોશની, રંગબેરંગી ફૂલોથી સજ્જ પ્રવેશદ્વાર અને વિશાળ શાહી સામિયાણા પદયાત્રીઓનું ધ્યાન આકર્ષે છે. બહારથી જ આકર્ષક દેખાતા આવા કેમ્પોમાં પ્રવેશતાં જ ભક્તિ અને ભાવનાનો અનોખો માહોલ અનુભવાય છે.

રાજકોટના દ્વારકાધીશ ગ્રુપ હરસોડા પરિવારનો ભવ્ય સેવા કેમ્પ

- Advertisement -

આ વિસ્તારમાં ખાસ આકર્ષણ બની રહ્યો છે રાજકોટના દ્વારકાધીશ ગ્રુપ હરસોડા પરિવાર દ્વારા સંચાલિત સેવા કેમ્પ. ભવ્ય શણગાર, વિશાળ સામિયાણા અને રોશનીનો ઝળહળાટ અહીં આવનાર દરેક પદયાત્રીઓને વિરામ લેવા આમંત્રિત કરે છે.

માત્ર પગપાળા યાત્રીઓ જ નહીં, પરંતુ માર્ગ પરથી વાહનમાં પસાર થતા શ્રદ્ધાળુઓ પણ આ શાહી કેમ્પની મુલાકાત લેવાનું પસંદ કરે છે. અનેક યાત્રાળુઓ અહીં રોકાઈને તસ્વીરો પાડી આ અનોખી ભવ્યતા નિહાળી રહ્યા છે.

- Advertisement -

દરેક પદયાત્રી ભગવાનનું સ્વરૂપ હરસોડા પરીવાર

સેવા આપનાર હરસોડા પરિવારના દેવુધી હરસોડા જણાવે છે કે દ્વારકા જતા દરેક પદયાત્રી ભગવાન શ્રીકૃષ્ણના પરમ ભક્ત છે અને તેઓ ભગવાનના આશીર્વાદ સાથે આગળ વધી રહ્યા છે.

તેમણે જણાવ્યું કે સેવા કેમ્પમાં લાભ લેવા આવનાર દરેક પદયાત્રીમાં ભગવાનનું જ સ્વરૂપ જોવા મળે છે. આવતા દરેક યાત્રાળુ અમારે માટે મોંઘેરા મહેમાન સમાન છે, તેથી તેમનો આવકાર પણ શાહી રીતે થવો જોઈએ, તેવી તેમની ભાવનાસભર પ્રતિક્રિયા છે. આ કારણે જ પ્રવેશદ્વારેથી લઈને સમગ્ર કેમ્પ સુધી આકર્ષક શણગાર, ઝળહળતી રોશની અને સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું છે.

રાજકોટના દ્વારકાધીશ ગ્રુપ હરસોડા પરિવાર છેલ્લા પંદર વર્ષથી દ્વારકા પદયાત્રામાં સેવા આપી રહ્યો છે. છેલ્લા ચાર વર્ષથી સેવા કેમ્પને શાહી સામિયાણા સ્વરૂપે વિશાળ અને ભવ્ય રીતે તૈયાર કરવામાં આવે છે.

સેવા કેમ્પમાં પદયાત્રીઓ માટે પીવાનું શુદ્ધ પાણી, ગરમ ભોજન, નાસ્તો, આરામ માટે બેઠક અને વિરામ વ્યવસ્થા, તબીબી સુવિધા સહિતની સગવડો ઉપલબ્ધ કરવામાં આવી છે.

ત્રણ દિવસ સુધી રાત્રિના સમયે રાસ અને ગરબા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જાણીતા 30થી વધુ જેટલા કલાકારો સંગીત અને ભક્તિરસથી ભરપૂર કાર્યક્રમો રજૂ કરી પદયાત્રીઓના ઉત્સાહમાં વધારો કરે છે.

સાંજ પડે ત્યારથી જ કેમ્પમાં એવી રંગત જામે છે કે જાણે નવરાત્રીનો મહોત્સવ ચાલી રહ્યો હોય. રાસ-ગરબાની રમઝટ વચ્ચે પદયાત્રીઓ થાક ભૂલી ભક્તિ અને આનંદના રંગે રંગાઈ જાય છે.

આ સંગીતમય માહોલ અને શાહી સામિયાણાની ભવ્યતા જોઈ આસપાસના ગામજનો તેમજ માર્ગ પરથી પસાર થતા અન્ય શ્રદ્ધાળુઓ પણ થોડો વિરામ લઈને આ કૃષ્ણભક્તિભર્યા ઉત્સવનો આનંદ માણી રહ્યા છે.

દ્વારકા ફુલડોલ યાત્રામાં આવા સેવા કેમ્પો માત્ર આરામસ્થાન નથી, પરંતુ ભક્તિ, સેવા અને સન્માનનો સંદેશ આપતા જીવંત કેન્દ્રો બની રહ્યા છે.

શાહી સજાવટની પાછળ છુપાયેલી ભાવના એ છે કે સેવા એ જ સત્ય ભક્તિ. હરસોડા પરિવાર દ્વારા પ્રસ્તુત આ સેવા કેમ્પ પદયાત્રીઓ માટે યાદગાર વિરામસ્થાન બની રહ્યો છે અને યાત્રામાર્ગ પર ભક્તિ સાથે ભવ્યતાનો અનોખો મેળાપ રજૂ કરી રહ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular