Thursday, December 26, 2024
Homeરાષ્ટ્રીયકોરોનાની બીજી લહેરે ગ્રામિણ અર્થતંત્રની કમ્મર તોડી નાખી

કોરોનાની બીજી લહેરે ગ્રામિણ અર્થતંત્રની કમ્મર તોડી નાખી

ગ્રામિણ બેરોજગારીનો દર 6.37 ટકાથી વધીને 7.29 થયો : સારૂં ચોમાસું બનશે આશાનું કિરણ

- Advertisement -

કોરોનાવાયરસની જીવલેણ મહામારીની બીજી લહેર શહેરો અને નગરો મારફત ગ્રામીણ વિસ્તારોમાં ફેલાઈ છે. ગયા વર્ષે આવેલી કોરોના લહેરમાંથી ભારતીય અર્થતંત્ર રિકવરી માટે પ્રયત્ન કરી રહ્યું હતું ત્યારે કોરોનાની આવેલી બીજી લહેર આપણા ગ્રામીણ હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની નબળી સ્થિતિ વચ્ચે ઘાતક નીવડી છે. શહેરોની તુલનામાં ગ્રામીણ વિસ્તારોમાં કોરોનાથી સંક્રમિત થયેલા લોકો તથા એને લીધે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા ઘણી વધારે રહી છે. ગ્રામીણ વિસ્તારોમાં તબીબી સુવિધાઓના સદંતર અભાવને લીધે કોરોનાકાળમાં આરોગ્યનું અસાધારણ સંકટ સર્જાયું છે ત્યારે રોજગારીને લઈ પણ સ્થિતિ ઘણી નાજુક બની રહી છે. આ ઉપરાંત કોરોનાને લીધે ગ્રામીણ લોકો પર મોટા પ્રમાણમાં આર્થિક બોજ પડી રહ્યો છે, જેથી દેશની ગ્રામીણ અર્થવ્યવસ્થા (ગ્રામીણ પ્રજા) બેવડી મુશ્કેલી વચ્ચે પિસાઈ રહી છે.

- Advertisement -

પ્રથમ લહેરમાં વાયરસ શહેરી મહામારી પૂરતો મર્યાદિત હતો. બીજી બાજુ અનેક અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે ગ્રામીણ વિસ્તારોમાં કોરોના મહામારીનો ઝડપથી ફેલાવો થયો, એને લીધે હવે આગામી દિવસોમાં અર્થતંત્રનાં વિવિધ સેક્ટરોમાં સુધારો મેળવવામાં અગાઉની તુલનામાં વધારે વિલંબ થઈ શકે છે, કારણ કે દેશનાં ઘણાંબધાં રાજ્યોમાં કડક લોકડાઉન લાદવામાં આવેલું છે અને એ કોરોનાની પહેલી લહેરની તુલનામાં વધુ લાંબો સમય સુધી ચાલી શકે છે. આ ઉપરાંત ગ્રામીણ વિસ્તારોમાં સંક્રમણનું પ્રમાણ ભયજનક સ્તરે છે, જેને લીધે ગ્રામીણ લોકોમાં ડરનો માહોલ વ્યાપક પ્રમાણમાં છે. ગ્રામીણ વિસ્તારોમાં કોરોનાને લગતા ટેસ્ટિંગનો અભાવ એટલો છે, જેને લીધે આ વિસ્તારોમાં રહેલા કોરોનાના કેસની ગણતરી ધ્યાનમાં લેવામાં આવી રહી નથી. એપ્રિલ,2021માં સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના સંશોધન પેપર પ્રમાણે ગ્રામીણ જિલ્લાઓમાં નવા કેસનું પ્રમાણ એકંદરે 45.5 ટકા હિસ્સો ધરાવે છે, જે માર્ચ મહિનામાં 37.9 ટકા હતો. જ્યારે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના 7 મેના રોજ રજૂ થયેલા એક અહેવાલ પ્રમાણે ગ્રામીણ વિસ્તારોમાં વકરેલી મહામારી ચિંતાજનક વલણ ધરાવે છે, એટલે કે રૂરલ ડિસ્ટ્રિક્ટનો નવા કેસોમાં હિસ્સો એપ્રિલ મહિનામાં વધીને 45.5 ટકા અને મે મહિનામાં 48.5 ટકા થયો છે, જે અગાઉ માર્ચ મહિનામાં 37 ટકા હિસ્સો હતો. 9 મેના રોજ પૂરા થયેલા સપ્તાહમાં રાષ્ટ્રીય બેરોજગારીનો દર વધીને 8.67 ટકા થયો છે, જે અગાઉના પખવાડિયામાં 7.4 ટકા હતો. આ ગાળામાં ગ્રામીણ બેરોજગારીનો દર પણ 6.37 ટકાથી વધી 7.29 ટકા થયો છે. શહેરી બેરોજગારી આ અવધિમાં 11.72 ટકાના સ્તર પર પહોંચી ગઈ છે, જે 25 એપ્રિલના રોજ પૂરા થયેલા સપ્તાહમાં 9.55 ટકા હતી, એ સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમીની માહિતીમાં જણાવાયું હતું. શહેરી વિસ્તારોમાં બેરોજગારી 12 ટકા નજીક પહોંચી ગઈ છે, જે છેલ્લા 10 મહિનામાં સૌથી વધારે છે.

ગયા વર્ષે મે-જૂન મહિનામાં કૃષિક્ષેત્રે વાવેતર કામગીરી શરૂ થઈ એ અગાઉ ગ્રામીણ અર્થતંત્રમાં મજબૂત સુધારા સાથે ટ્રેક્ટર્સના વેચાણમાં વૃદ્ધિ જોવા મળી હતી. મજબૂત માગને લીધે એ અવધિ દરમિયાન આશરે 9 લાખ ટ્રેક્ટરનું વેચાણ થયું હતું, જે સમગ્ર નાણાકીય વર્ષ દરમિયાન સૌથી વધારે હતું. આ ઉપરાંત ઓટો સેક્ટરના અન્ય સેગમેન્ટમાં ખાસ કરીને દ્વિ-ચક્રિય વાહનો, કાર, લાઈટ કોમર્શિયલ વેહિકલ્સનું વેચાણ સારું રહ્યું હતું. જોકે આ વર્ષે ગ્રામીણ વિસ્તારોમાં કોરોનાનો વ્યાપક ફેલાવો થયો છે, જેને લીધે ઓટો સેક્ટરને અસર થઈ શકે છે. આજ પ્રકારની સ્થિતિ ઋખઈૠ સેક્ટરમાં પણ જોવા મળી શકે છે. કોરોનાની પહેલ લહેર દરમિયાન ગ્રામીણ ભારતે દેશના આર્થિક વૃદ્ધિને કંઈક હસ્તક બચાવવામાં અને એમાં ઊર્જા પૂરવામાં મદદ કરી હતી. નાણાકીય વર્ષ 2020-21માં કૃષિ સેક્ટરમાં 7.2 ટકા વૃદ્ધિ દર્શાવવામાં આવે તેવી આગાહી કરાઈ હતી. આજે જે આર્થિક પરિસ્થિતિ પ્રવર્તિ રહી છે એ ગયા વર્ષે આ સમયગાળાની તુલનામાં કોઈ ખાસ તફાવત ધરાવતી નથી, પણ આ વર્ષે ગ્રામીણ અર્થવ્યવસ્થા કોરોનાના ભરડામાં છે. બીજી બાજુ, જો દેશમાં કોરોના મહામારીની બીજી લહેર જૂન સુધીમાં ઉચ્ચ લેવલ પર પહોંચે એવા સંજોગોમાં નાણાકીય વર્ષ 2021-22માં જીડીપી 8.2 ટકા થઈ શકે છે. કોરોના મહામારી વચ્ચે હવામાન વિભાગે દેશમાં આ વર્ષે ચોમાસું સામાન્ય રહે તેવી આગાહી કરી છે ત્યારે સારા વરસાદની મદદથી ગ્રામીણ અર્થતંત્ર કોરોના વચ્ચે મજબૂત સ્થિતિમાં આવી શકે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular