દેશના અર્થતંત્રમાં તબક્કાવાર રિકવરીને પગલે વૈશ્વિક રેટિંગ એજન્સી સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર્સે ભારતના સોવેરિન રેટિંગને બીબીબી- જાહેર કરીને સ્ટેબલ આઉટલુક જાળવી રાખ્યું છે.
નાણાં વર્ષ 2022ના પાછલા 6 મહિનાથી તથા તે પછીના વર્ષમાં ભારતની રિકવરી ગતિ પકડશે જે તેની એકંદર ક્રેડિટ પ્રોફાઈલને સ્થિર કરવામાં મદદ કરશે એમ એસએન્ડપી દ્વારા એક નિવેદનમાં જણાવાયું છે.
સરકારે કેટલાક મજબૂતીકરણના પગલાં લીધા હોવા છતાં તેની રાજકોષિય ખાધ ઊંચી જળવાઈ રહેશે. જો કે ભારતની મજબૂત વિદેશ સ્થિતિ ઊંચી ખાધ અને દેવાના પ્રમાણ સાથે જોડાયેલા જોખમોને હળવા કરવામાં મદદ કરશે. નાણાં વર્ષ 2021માં જોરદાર ઘટયા બાદ ભારતનું અર્થતંત્ર તબક્કાવાર સુધરી રહ્યું છે. દેશમાં આર્થિક પ્રવૃત્તિઓ સામાન્ય બની રહી હોવાનું તથા વેક્સિનેશનમાં પ્રગતિને ધ્યાનમાં રાખતા નાણાં વર્ષ 2022માં ભારતનો આર્થિક વિકાસ દર 9.50 ટકા રહેવા અમારી ધારણાં હોવાનું એસએન્ડપીએ નિવેદનમાં જણાવ્યું હતું.
ભારતને અપાયેલા સોવેરિન ક્રેડિટ રેટિંગ્સ, ભારતનો આર્થિક વિકાસ દર લાંબા ગાળાની સરેરાશ કરતા ઊંચો હોવાનું સૂચવે છે. એટલું જ નહીં તેની વિદેશની સ્થિતિ પણ મજબૂત હોવાના સંકેત આપે છે.
વર્તમાન નાણાંકીય વર્ષનો ઉતરાર્ધ ભારતનાં અર્થતંત્ર માટે આશાસ્પદ : S&P
આર્થિક વિકાસદર લાંબાગાળાની સરેરાશ કરતાં ઉંચો, વિદેશોમાં ભારતની સ્થિતિ મજબૂત હોવાનું એજન્સીનું તારણ