જામનગર તાલુકાના દોઢિયા ગામના સરપંચે ગઈકાલે બપોરે લાખાબાવળ રેલવે સ્ટેશન નજીક ટ્રેનના એન્જીન હેઠળ પડતું મૂકી આત્મહત્યા કરી લીધી છે. આ બનાવને લઈને ભારે ચકચાર જાગી છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના દોઢીયા ગામના સરપંચ મંગાભાઈ કરણાભાઈ ટોયટા (ઉંમર વર્ષ 45) એ ગઈકાલે બપોરે 3.45 વાગ્યાના અરસામાં જામનગર નજીક લાખાબાવળ ગામ પાસેથી પસાર થતી રેલવે લાઇન પર ટ્રેનના એન્જિન હેઠળ પડતું મૂકી આત્મહત્યા કરી લીધી છે. ધસમસ્તી ટ્રેન પસાર થઈ જતાં તેના દેહના ટુકડા થઈ ગયા હતા, અને ઘટના સ્થળેજ કમ કમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે રેલવે પોલીસને જાણ થતાં રેલવે પોલીસના જમાદાર માલદેભાઈ ઘટના સ્થળે દોડી ગયા હતા, અને મૃતદેહ નો કબ્જો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ મૃતકના પરિવારજનોને બોલાવી મૃતદેહ નો કબજો પરિવારજનોને સોંપી દીધો છે, અને આ બનાવ અંગેની ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.