જામનગર નજીક મોરકંડા રોડ પર ઢાળિયા પાસે આવેલા સનસિટી – 2 માંથી બાઈક પર શાકભાજી લેવા જતાં યુવાનને વહેલીસવારે ત્રણ શખ્સોએ આંતરીને ત્રણ હજારની રોકડની લૂંટ ચલાવી હતી. આ લૂંટના બનાવમાં લોકો એકઠાં થઈ જતાં બે શખ્સોને ઝડપીને લમધાર્યા હતાં ત્યારબાદ પોલીસે ત્રીજા લૂંટારુને પણ ઝડપી લીધો હતો. ત્રણેયની પૂછપરછ દરમિયાન એક ડઝન જેટલી લૂંટ ચલાવી હોવાની કેફીયત આપી હતી.
લૂંટના બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં મોરકંડા રોડ પર આવેલા સનસિટી -2 વિસ્તારમાં દેડકાવાળાની વાડીમાં રહેતો હિતેશ અમુભાઈ પરમાર નામનો યુવાન શનિવારે વહેલીસવારના પાંચ વાગ્યાના અરસામાં તેની બાઈક પર હાપા માર્કેટીંગ યાર્ડ પર શાકભાજી લેવા જતો હતો તે દરમિયાન સનસિટી-2 ના ઢાળિયા પાસે પહોંચ્યો ત્યારે સામેથી બાઈક પર આવેલા ત્રણ શખ્સોએ યુવાનને આંતરીને છરી ગળા ઉપર રાખી તેના ખીસ્સામાં રહેલી આશરે રૂા.3000ની રોકડની લૂંટ ચલાવી હતી. લૂંટના બનાવ બાદ યુવાને બુમાબુમ કરતાં લોકો એકઠા થઈ ગયા હતાં અને લોકોએ લૂંટારુઓને બે શખ્સોને દબોચી લીધા હતાં. બન્ને લૂંટારુઓને ઝડપી લઇ લમધાર્યા હતાં. જો કે, એક શખ્સ નાશી ગયો હતો. ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસમાં કરવામાં આવતા પીએસઆઈ વી.આર. ગામીત તથા સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને બે લૂંટારુઓની અટકાયત કરી હતી.
ત્યારબાદ પોલીસે લૂંટનો ભોગ બનનાર હિતેશના નિવેદનના આધારે વકાશ હુશેન હનિફ શેખ, ઈમરાન હનિફ સમા, ખલીલ ઈસ્માઇલ નામના ત્રણ શખ્સો વિરૂધ્ધ લૂંટનો ગુનો નોંધી વધુ પૂછપરછ હાથ ધરતા આરોપી વકાસ હુસેને અગાઉ જુદા જુદા પાંચ ગુનાને અંજામ આપ્યો હોવાનું જ્યારે આરોપી ઈમરાન હનીફે જુદા જુદા ત્રણ ગુનાને અંજામ આપ્યા છે. તેમજ આરોપી ખલીલે બે ગુનાને અંજામ આપ્યાનું જાણવા મળ્યું છે. ત્રણેય આરોપીને રિમાન્ડ પર લેવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ત્રણેય લૂંટારુઓ કે જેઓ રાત્રિના સમયે હાઈવે રોડ પર સુમસામ રસ્તો હોય ત્યારે તેવી પરિસ્થિતિનો લાભ લઇ ત્યાંથી પસાર થનારા એકલદોકલ વાહનચાલકો સાથે પોતાનું વાહન અથડાવી દેતા હતાં અને ઝઘડો કરી છરી અથવા અન્ય હથિયારો બતાવી મારી નાખવાની ધમકી આપતા હતાં અને તેઓની કિંમતી ચીજવસ્તુઓની લૂંટ ચલાવી લેતાં હતાં આ આરોપીઓ સામે લૂંટના ગુના, મારામારીના ગુના, જુગારના ગુના તેમજ એનડીપીએસ એકટ સહિતના પણ ગુના નોંધાયા છે જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.


