જામનગર શહેરમાં પી.એન.માર્ગથી ગાંધીનગરને જોડતાં માર્ગને રૂપિયા 2.77 કરોડના ખર્ચે સિમેન્ટ રોડ બનાવવામાં આવશે. જયારે માર્ગની સમાંતર વરસાદી પાણીના નિકાલ માટે 4.5 કરોડના ખર્ચે સ્ટ્રોમ વોટર ડ્રેનેજ બનાવવામાં આવશે.
ચેરમેન નિલેશ કગથરાના અધ્યક્ષસ્થાને યોજાયેલી જામનગર મહાપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં કુલ 8.79 કરોડના જુદા-જુદા કામોને બહાલી આપવામાં આવી હતી. જેમાં વોર્ડ નં. 3માં પીએન માર્ગથી કોર્ટ બિલ્ડીંગ થઇને ગાંધીનગર સુધી 2.75 કરોડના ખર્ચે સિમેન્ટ રોડ બનાવવામાં આવશે. જયારે આ રસ્તાની બાજુમાં જ વરસાદી પાણીના નિકાલ માટે 4.પ કરોડના ખર્ચે સ્ટ્રોમ વોટર ડેનેજ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા નિમણુંક કરાયેલા ફુલટાઇમ ચોકીદાર કમ પટ્ટાવાળા, કર્મચારી દ્વારા હાઇકોર્ટમાં કરવામાં આવેલી રીટ પિટીશનના હુકમ મુજબ કુલ 17 ચોકીદારને હકક હિસ્સા ચૂકવવા માટેની ભલામણ જનરલ બોર્ડમાં મુકવાનો નકકી કરવામાં આવ્યું છે. જયારે કેન્સરની બિમારીથી પીડિત સોલિડ વેસ્ટ શાખાના કર્મચારી ઝીણાભાઇ પરમારને રૂા. 75 હજારની આર્થિક સહાય આપવાનું પણ ઠરાવવામા આવ્યું હતું. જયારે જુદા-જુદા વોર્ડમાં સિમેન્ટ રોડના ચરેરા પૂરવા તેમજ અન્ય કામો માટે 15 લાખનું ખર્ચ મંજૂર કરવામાં આવ્યું હતું. બેઠકમાં મેયર વિનોદ ખીમસૂર્યા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, કમિશનર ડી.એન. મોદી, ડીએમસી દેવેન્દ્રસિંહ ઝાલા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.