Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગરની પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની પ્રાદેશિક કચેરી સાવ રેઢો પટ્ટ છે !

જામનગરની પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની પ્રાદેશિક કચેરી સાવ રેઢો પટ્ટ છે !

જામનગરના કલેકટરે આ કચેરીની સરપ્રાઇઝ વિઝિટ કરવી જોઇએ: લોકમત

- Advertisement -

જામનગર-ગુજરાત સહિત દેશભરમાં પ્રદૂષણ કેટલીક વિકરાળ સમસ્યાઓ પૈકીની એક છે. દેશભરમાં દર વર્ષે લાખો લોકો વિવિધ પ્રકારના પ્રદૂષણોને કારણે મોતને ભેટે છે. આ ઉપરાંત હવા તથા પાણી અને જમીન સહિતના ક્ષેત્રોમાં જૂદાં-જૂદાં પ્રકારના જોખમી અને ઝેરી તત્વોના કારણે લોકોના આરોગ્ય સામે પ્રશ્ર્નાર્થ સર્જાય છે. દેશભરના આ પ્રકારના કારણોથી કરોડો લોકો વિવિધ પ્રકારની બિમારીઓનો ભોગ બને છે. પ્રદૂષણ કરોડો ભારતીય પરિવારો પર વિલનની માફક ત્રાટકી રહ્યું છે. પ્રદૂષણનો સમગ્ર મુદ્દો અતિશય ઘાતક અને જીવલેણ હોવા છતાં સરકારો અને તેથી અધિકારીઓ પ્રદૂષણ નિયંત્રણ મુદ્દે ગંભીર નથી. આ ઉપરાંત ચૂંટાયેલાં લોક પ્રતિનિધિઓ જાણે કે, પ્રદૂષણની સમસ્યાને સમસ્યા લેખતાં જ ન હોય તેવું અંધેર સમગ્ર ગુજરાત અને ભારતમાં વર્ષોથી આ ક્ષેત્રમાં પ્રદૂષણની માફક ફેલાયેલું છે અને અમાપ નુકશાન પહોંચાડી રહ્યું છે.

અત્રે આપણે માત્ર જામનગર ખાતે આવેલી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની રિજયોનલ (પ્રાદેશિક) કચેરીની જ વાત કરીશું. આ કચેરીના મુખ્યવડાની બદલી ત્રણ મહિના પહેલાં થઇ ચૂકી છે. ત્યારબાદ રાજકોટના બી.એમ.મકવાણા નામના અધિકારીને જામનગર કચેરીની જવાબદારી સોંપવામાં આવી છે. પરંતુ તેઓ કોઇ ચોકકસ પ્રકારનું કામ હોય ત્યારે જ જામનગર કચેરીની મુલાકાત લ્યે છે. આ ઉપરાંત આ કચેરીમાં બી.એમ.મકવાણા પછી સેક્ધડ કેડરના અધિકારી(નાયબ ઇજનેર) કલ્પના પરમાર છે. પરંતુ તેઓ પણ જામનગર કચેરીમાં ધ્યાન આપી શકતા નથી. કારણ કે, આ વિભાગની પોરબંદર કચેરીમાં અધિકારીની જગ્યા ખાલી હોવાથી આ મહિલા અધિકારીને પોરબંદરની જવાબદારી સોંપવામાં આવી છે.

ટૂંકમાં જામનગરની પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કચેરી ખુબ જ મહત્વની હોવા છતાં સરકાર તથા અધિકારીઓ દ્વારા આ કચેરીનું સંચાલન રેઢીયાળ રીતે કરવામાં આવે છે. જામનગરની આ પ્રાદેશિક કચેરી હેઠળ જામનગર અને દેવભૂમી દ્વારકા જિલ્લા ઉપરાંત સમગ્ર કચ્છ જિલ્લાનો પણ સમાવેશ થાય છે. આ ત્રણેય જિલ્લાઓમાં નોંધપાત્ર પ્રમાણમાં નાના તેમજ મોટાં ઉદ્યોગો પથરાયેલા છે. જેને પરિણામે સ્વાભાવિક રીતે જ આ ત્રણેય જિલ્લાઓમાં પ્રદૂષણ નિયંત્રણની કામગીરી ખુબ જ સંવેદનશીલ વિષય છે પરંતુ સરકાર તથા અધિકારીઓના રેઢીયાળ સંચાલનને કારણે આ ત્રણેય જિલ્લાઓમાં પ્રદૂષણ મામલે ઉદ્યોગો પર કોઇનું નિયંત્રણ જ ન હોય તે પ્રકારની ગંભીર અને ચિંતાજનક સ્થિતિ જોવા મળે છે. અત્રે નોંધનીય છે કે, પ્રદૂષણ નિયંત્રણ ગુજરાત જેવાં ઔદ્યોગિક રાજયમાં ખુબ જ સંવેદનશીલ અને વ્યાપક વિષય છે. અત્રે એ પણ નોંધનીય છે કે, જામનગરની પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની આ કચેરીના એક વડા આજથી એક વર્ષ પહેલાં રૂા.5 લાખની લાંચમાં ઝડપાઇ ગયા હોવાનું આપ સૌને યાદ હશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular