દેશમાં કોરોના વાયરસના રોજ આવતાં કેસોની સંખ્યામાં ઘટાડો થઇ રહ્ય છે અને મોતનો આંકડો પણ પહેલાંની સરખામણીએ ઘટી રહ્યો છે. રિકવરી રેટમાં પણ સતત વધારો થઇ રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 46,148 નવા કેસ સામે આવ્યા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 58,578 લોકોએ કોરોનાને માત આપી છે. દેશમાં કોરોના વાયરસનો રિકવરી રેટ 96.79 ટકા સુધી પહોંચી ગયો છે. સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, હવે દેશમાં કોરોના વાયરસના કુલ એક્ટિવ કેસ 5,72,994 છે.
છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં કોરોનાને લીધે 979 લોકોનાં મોત નિપજ્યાં છે. દેશમાં અત્યાર સુધી કોરોનાને લીધે 3.96 લાખથી વધુ લોકોના મૃત્યુ થયા છે. છેલ્લા 24 કલાકમાં 15.75 લાખથી વધુ લોકોના ટેસ્ટ થયા છે અને તેમાંથી 46,148 લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસ સંક્રમણ દર 2.93 ટકા રહ્યો છે. દેશમાં રસીકરણ અભિયાન ઝડપથી આગળ વધી રહ્યું છે. દુનિયામાં હવે ભારત રસીકરણ મામલે રેકોર્ડ બનાવ્યો છે. અત્યાર સુધી ભારતમાં 32.36 કરોડ લોકોને વેક્સિન આપી દેવાઇ છે. દુનિયાના કોઇપણ દેશમાં અત્યાર સુધી આટલા મોટા પ્રમાણમાં વેક્સિન અપાઇ નથી. અમેરિકા પણ ભારતથી પાછળ છે, ત્યાં 32.33 કરોડ લોકોને વેક્સિન મળી છે.