Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરખરાખરીનો જંગ: આવતીકાલે જામ્યુકોની 64 બેઠક માટે મતદાન

ખરાખરીનો જંગ: આવતીકાલે જામ્યુકોની 64 બેઠક માટે મતદાન

વહીવટી તંત્ર દ્વારા ચૂંટણી સંબધિત અને પોલીસ દ્વારા કાયદો-વ્યવસ્થા જાળવવા તૈયારીને અપાતો આખરી ઓપ: પોલીસ, હોમગાર્ડ સહિત 2200 સુરક્ષા કર્મચારીઓ ખડે પગે રહેશે: શહેરમાં કુલ 645 મતદાન મથકો પર મતદાન યોજાશે : 645 માંથી 312 સંવેદનશીલ મતદાન મથક: અંતિમ પળોમાં મતદારોને રિઝવવા ઉમેેદવારો દ્વારા એડી ચોટીનું જોર લગાવ્યું

- Advertisement -


જામનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીનું આવતીકાલે મતદાન યોજાશે. શહેરના સાડા ચાર લાખથી વધુ મતદારો નિર્ભય વાતાવરણમાં અને શાંત વાતાવરણમાં મતદાન કરે તે માટે ચૂંટણીતંત્ર અને પોલીસ વિભાગ દ્વારા આયોજન બદ્ધ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી રહી છે. બીજી તરફ જાહેર પ્રચાર કાર્ય પર પૂર્ણ વિરામ મૂકાઇ ગયા બાદ 236 ઉમેદવારો દ્વારા ગુપ્ત મિટિંગો તથા ખાટલા પરિષદો યોજી અંતિમ પ્રચાર થઇ રહ્યો છે. આજે કતલની રાતે અનેક ઉમેદવારો બાજી પલટાવવા માટે મતદારોને રિઝવવા પ્રયાસ કરશે.

- Advertisement -


જામનગર મહાનગરપાલિકાના 16 વોર્ડની 64 બેઠકો માટેની સામાન્ય ચૂંટણીનો અંતિમ પડાવ આવી ચૂકયો છે. આવતીકાલે રવિવારે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી શહેરના જુદા-જુદા મતક્ષેત્રો પર બનાવેલા બુથ ઉપર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં કુલ 645 મતદાન મથકો ખાતે મતદાન પ્રક્રિયા હાથ ધરાશે. 645 માંથી 312 સંવેદનશીલ મતદાન મથકો જાહેર કરાયા છે. જેમાં મતદારો નિર્ભય રીતે મતદાન કરી શકે તે માટે બમણો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. આવતીકાલની મતદાન પ્રક્રિયામાં પોલીસ, હોમગાર્ડ સહિત 2200 જેટલાં સુરક્ષાકર્મચારીઓ સુરક્ષા જાળવવા ખડે પગે લેશે.
જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં 312 સંવેદનશીલ મથકમાં વોર્ડ નં. 15માં સૌથી વધુ 35 સંવેદનશીલ મથકો છે. જયારે વોર્ડ નં.01 માં સૌથી ઓછા 08 સંવેદનશીલ મથકો છે. જયારે મતદાન મથકોની પાંચ ઇમારત અને 11 મતદાન મથક અતિ સંવેદશીલ જાહેર કરાયા છે. જેમાં વોર્ડ નં.01માં બે ઇમારત, પાંચ મતદાન મથક, વોર્ડ નં.03માં ત્રણ ઇમારત અને છ મતદાન મથકનો સમાવેશ થાય છે.
શહેરના નવા સીમાંકન બાદ 19ની જગ્યાએ 16 વોર્ડ કરાયા બાદ બીજી વખત ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ વખતે ભાજપ-કોેંગ્રેસની સાથે આમ આદમી પાર્ટીએ પણ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે. ત્યારે ત્રિપાંખીયો જંગ જોવા મળશે. 64 નગરસેવકો માટે આવતીકાલે શહેરના સાડા ચાર લાખથી વધુ મતદારો મતદાન કરશે. વહીવટી તંત્ર તથા પોલીસતંત્રના કર્મચારીઓ મોટી સંખ્યામાં ચૂંટણી ફરજમાં જોડાશે અને પોલીંગબૂથ ઉપર પોલીસ જવાનો પણ ખડે પગે તૈનાત રહેશે.
આજે પ્રચાર પડઘમ શાંત થઇ જતા ગુપ્ત પ્રચારનું જોર વધશે. કતલની રાત હોય ઉમેદવારો આજે પૂરતું જોર લગાવશે. રાષ્ટ્રીય પક્ષો, અપક્ષ ઉમેદવારો સહિત 236 ઉમેદવારો એ વિજેતા બનવા જોર લગાવ્યું છે. આ ઉપરાંત અંતિમ તબકકામાં તોડજોડની નીતિ અપનાવી જીતવા માટે એડીચોટીનું જોર લગાવવામાં આવશે. 16 વોર્ડની 64 બેઠકો માટે કુલ 645 મતદાન મથકો ખાતેથી મતદાન પ્રક્રિયા યોજાશે. કુલ 4,88,996 મતદારો નોંધાયેલ છે જે આગામી પાંચ વર્ષ માટે પોતાના જનસેવક પ્રતિનિધિ ચૂંટશે. વોર્ડ નં. 12માં સૌથી વધુ 37,897 મતદારો નોંધાયા છે. તો વોર્ડ નં 6 માં સૌથી ઓછા 25,011 મતદારો નોંધાયેલા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular