દેવભૂમિ દ્વારકા જિલ્લામાં થોડા સમય પૂર્વે ખેડૂતો માટે ખાતરની અછત સર્જાતા આ અંગે અહીંના માર્કેટીંગ યાર્ડના નવનિયુક્ત ડાયરેક્ટર પ્રભાત ચાવડા દ્વારા કરવામાં આવેલી રજૂઆતોને સફળતા મળી છે અને જુદા જુદા ડેપોમાં ખાતરનો જથ્થો પ્રાપ્ય બન્યો છે.
ખંભાળિયા સહિત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આ વર્ષે નોંધપાત્ર વરસાદ વરસ્યો હોય, આગામી દિવસોમાં શિયાળુ પાકની સીઝન શરૂ થાય તે પૂર્વે જિલ્લાના જુદાજુદા કેન્દ્રોમાં ખાતરની અછત જોવા મળી હતી. તહેવારો તથા લોડિંગના કારણે ખાતરની અછત સર્જાતા આ મહત્વના મુદ્દે અહીંના પૂર્વ ધારાસભ્ય સ્વ. કાળુભાઈ ચાવડાના પુત્ર અને માર્કેટિંગ યાર્ડના યુવા ડાયરેક્ટર પ્રભાત કાળુભાઈ ચાવડા દ્વારા આ મહત્વના માટે સંબંધિત તંત્રને લેખિત રજૂઆતો કરવામાં આવી હતી. જેને સાનુકૂળ પ્રતિસાદ સાંપડયો છે અને અહીંના માર્કેટિંગ યાર્ડ સહિત જિલ્લાના જુદા-જુદા કેન્દ્રમાં ખાતરનો જથ્થો પૂરો પાડવામાં આવ્યો છે.
આમ, જિલ્લાના ખેડૂતોના મહત્વના પ્રશ્ન એવા ખાતર અંગેની સમસ્યાનું નિવારણ આવતા ધરતીપુત્રોએ રાહતની લાગણી અનુભવી છે.
ખંભાળિયા સહિત જિલ્લામાં ખાતરની અછત અંગે કરાયેલી રજૂઆતો બાદ ખાતરનો જથ્થો ફાળવાયો
યાર્ડના ડાયરેક્ટર પ્રભાત ચાવડાની રજૂઆતોને સફળતા