Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરજામનગરનું ગૌરવ: મલ્ટી-ટેલેન્ટેડ અસ્મિતાબા પરમાર, જે સાચી અર્થમાં 'ગુજરાતની અસ્મિતા' બની -...

જામનગરનું ગૌરવ: મલ્ટી-ટેલેન્ટેડ અસ્મિતાબા પરમાર, જે સાચી અર્થમાં ‘ગુજરાતની અસ્મિતા’ બની – VIDEO

સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી ગામના વતની અને હાલ જામનગર નિવાસી અસ્મિતાબા વિરેન્દ્રસિંહ પરમારે નાની ઉંમરે જ પોતાની પ્રતિભા, સંકલ્પ અને મહેનતના જોરે અનોખી ઓળખ બનાવી છે. અસ્મિતાબા એવી દીકરી છે કે જેણે શૈક્ષણિક ક્ષેત્ર, રમતગમત, સંગીત, સામાન્ય જ્ઞાન અને એન.સી.સી. જેવા વિવિધ ક્ષેત્રોમાં ઝળહળતી સિદ્ધિઓ હાંસલ કરી છે. તેમની બુદ્ધિ, શિસ્ત અને મહેનતે તેમને સાચા અર્થમાં “મલ્ટી-ટેલેન્ટેડ અસ્મિતાબા – ગુજરાતની અસ્મિતા” તરીકે સ્થાપિત કરી છે.

- Advertisement -

અસ્મિતાબા હાલમાં સત્ય સાઈ સ્કૂલ, જામનગરમાં ધોરણ 9માં અભ્યાસ કરે છે. નાનપણથી જ વાંચનનો શોખ ધરાવતા અસ્મિતાબા માત્ર પાઠ્યપુસ્તક પૂરતી સીમિત નથી રહી, પરંતુ સામાન્ય જ્ઞાન, ઓલમ્પિયાડ અને સ્પર્ધાત્મક વિષયોનું ઊંડાણપૂર્વક વાંચન કરતી આવી છે.

- Advertisement -

તેમણે દેશની જાણીતી અને પ્રતિષ્ઠિત સંસ્થા INTECH દ્વારા આયોજિત સામાન્ય જ્ઞાનની કઠિન ગણાતી પરીક્ષામાં જામનગર જિલ્લામાં વિજેતા બનીને સૌનું ગૌરવ વધાર્યું છે. બાદમાં વડોદરામાં યોજાયેલી રાજ્યકક્ષાની પરીક્ષામાં ત્રીજો ક્રમ મેળવતાં તેમણે પોતાની પ્રતિભા રાજ્ય સ્તરે પણ સાબિત કરી છે.ગૌરવની વાત એ છે કે રાજ્યકક્ષાએ વિજેતા બનેલા ઉમેદવારોમાં એકમાત્ર ગુજરાતી માધ્યમની વિધાર્થીનીમાં અસ્મિતાબાનુ નામ છે.
અભ્યાસ પ્રત્યેની તેમની લગન એટલી છે કે ગત વર્ષે ધોરણ-8માં તેમણે 100માંથી 100 ટકા ગુણ મેળવીને સૌને આશ્ચર્યમાં મૂકી દીધા હતા.

- Advertisement -

અસ્મિતાબા માત્ર વાંચન પૂરતી જ નહીં, પણ રમતગમતમાં પણ આગવી ઓળખ ધરાવે છે.તેમણે વોલીબોલમાં જિલ્લા તેમજ રાજ્ય કક્ષાએ પ્રતિનિધિત્વ કરીને પોતાનું નામ રોશન કર્યું છે.સત્ય સાઈ સ્કૂલમાં નિયમિત તાલીમ લેતાં તેઓએ ગર્લ્સ ટીમમાં સ્થાન મેળવ્યું છે અને સતત મહેનતથી રાજ્ય કક્ષાએ પણ જિલ્લાનું પ્રતિનિધિત્વ કર્યું છે. અસ્મિતાબાની મહેનત, શિસ્ત અને પ્રતિબદ્ધતા એટલી મજબૂત છે કે તેઓ જામનગરની વોલીબોલ ટીમની કેપ્ટન તરીકે પણ સેવા આપી ચૂકી છે.આ વર્ષે ફરી રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે. વોલીબોલ માટે તેઓ વહેલી સવારે જાગીને પોતે તૈયાર થાય છે અને કઠોર મહેનતથી પ્રેક્ટિસ કરે છે. આ જ સમર્પણના કારણે આજે તેઓ રમતગમતમાં પણ આગવી ઓળખ ધરાવે છે અને ભવિષ્યમાં નેશનલ લેવલ પર રમવાની ઈચ્છા વ્યક્ત કરે છે.

અસ્મિતાબા બાળપણથી વાંચનના વ્યસનની સાથે જ ગાવાનું અને સંગીતનો શોખ ધરાવે છે. તેઓએ કલામહાકુંભ ગાયન સ્પર્ધામાં જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવી રાજ્યકક્ષાએ ભાગ લેવા માટે પસંદગી મેળવી છે. તેમના સ્વરમાં લય, તાલ અને ભાવના ત્રણેયનું અનોખું સંયોજન જોવા મળે છે.અભ્યાસ, રમત અને સંગીત વચ્ચેનું સંતુલન જ અસ્મિતાબાને સર્વગુણસંપન્ન બનાવે છે.

INTECH સામાન્ય જ્ઞાન પરીક્ષા: જામનગર જિલ્લા વિજેતા અને રાજ્ય કક્ષાએ ત્રીજો ક્રમ.

ઓલમ્પિયાડ પરીક્ષા: પ્રથમ સ્થાન.

વોલીબોલ: જિલ્લા અને રાજ્ય કક્ષાની પ્રતિનિધિ, તેમજ જામનગર ટીમની કેપ્ટન.

કલામહાકુંભ ગાયન સ્પર્ધા: જિલ્લા વિજેતા અને રાજ્ય કક્ષાએ પસંદગી.

એન.સી.સી.: કેડેટ તરીકે સેવાઓ આપી રહી છે.

આ સિદ્ધિઓ દર્શાવે છે કે અસ્મિતાબા એક એવી વિદ્યાર્થીની છે જે દરેક ક્ષેત્રમાં પોતાની ઓળખ મજબૂત બનાવી રહી છે. જેના કારણે અસ્મિતાબાના માતા યોગીતાબા વિરેન્દ્રસિંહ પરમારે ગર્વ સાથે ખુશી વ્યક્ત કરી છે. અસ્મિતાબાના માતા યોગીતાબા પરમારે પીટીસીનો અભ્યાસ કર્યો છે. જે પોતાના બાળકોને શિક્ષણ આપે છે. પુત્રીની સિદ્ધિઓ અંગે ગર્વ વ્યક્ત કરતાં યોગીતાબા કહે છે કે “મારી દીકરી અભ્યાસમાં તો તેજસ્વી છે જ, પરંતુ સાથે વોલીબોલ, ગાયન અને સામાન્ય જ્ઞાનના ક્ષેત્રમાં પણ સરસ પ્રતિભા ધરાવે છે. ઘરના દરેક કામમાં તે મારી મદદરૂપ બને છે અને નવરાશના સમયમાં ટીવી કે મોબાઇલ નહીં પરંતુ પુસ્તકો સાથે સમય વિતાવે છે. વોલીબોલની પ્રેક્ટિસ માટે વહેલી સવારે જાગીને પોતે તૈયાર થાય છે અને મહેનતના જોરે આજ આટલી સફળતા મેળવી છે.” યોગીતાબાના આ શબ્દો માત્ર માતૃગર્વ જ નહીં, પરંતુ દરેક પિતામાતા માટે પ્રેરણારૂપ છે કે સંસ્કાર, શિક્ષણ અને પ્રોત્સાહનથી સંતાન કેટલું ઊંચું ઉડી શકે છે.

અસ્મિતાબા પરમારના સપના વિશાળ છે. તેઓ ભવિષ્યમાં આઈએએસ કે આઈપીએસ અધિકારી બની દેશની સેવા કરવાનો સંકલ્પ ધરાવે છે. હાલથી જ તેઓ યુપીએસસી અને જીપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયારી શરૂ કરી ચૂક્યા છે. તેમની દૃઢતા અને ધ્યેય પ્રત્યેની નિષ્ઠા તેમને ભવિષ્યમાં પણ નવી ઊંચાઈઓએ પહોંચાડશે, તે નિશ્ચિત છે.

અસ્મિતાબા પરમાર એક એવી દીકરી છે જેણે બતાવ્યું કે ઉંમર નાની હોવા છતાં સપના મોટા હોઈ શકે છે. શિક્ષણ, રમતગમત, સંગીત અને સામાન્ય જ્ઞાન જેવા અનેક ક્ષેત્રોમાં ઝળહળતી આ દીકરી આજે માત્ર જામનગરની જ નહીં, પરંતુ આખા ગુજરાતની અસ્મિતા બની છે. તેમની કહાની એ દરેક યુવા માટે સંદેશ છે કે જો સંકલ્પ મજબૂત હોય અને મહેનત સચ્ચી હોય, તો સફળતા ક્યારેય દૂર નથી રહેતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular