2012ના વર્ષમાં કપાસ-રુ ની અભૂતપૂર્વ તેજી અને પછી આવેલી મંદી ગાંસડીનો ભાવ ભાગ્યે જ એકાદ વખત રુ. 50 હજાર વટાવી શક્યો હતો. જોકે નવ વર્ષ પછી પ્રથમ વખત રુ નો ભાવ રુ. 53 હજાર થયો છે. ભલે એ વખતે બનેલી રુ. 65 હજારની ટોચ આ વર્ષે ફરી જોવા મળવાની નથી પણ અત્યારની તેજીએ 2012ના સંસ્મરણો તાજા જરુર કરાવી દીધાં છે.
ગુજરાતમાં સંકર રુ નો ભાવ ખાંડીએ રુ. 300ની તેજી થતા રુ. 53 હજારની સપાટીએ નવ વર્ષ પછી પહોંચ્યો છે. વચ્ચેના વર્ષોમાં રુ. 51-52 હજારના ભાવ નામપૂરતા થયા હતા. જોકે આ વર્ષે તેજી નક્કર છે. માલની અછત પુષ્કળ છે અને બીજી તરફ નિકાસ-યાર્નની માગ ખૂબ સારી છે. કપાસનો ભાવ પહેલી વખત રુ. 1600ના સ્તરે પહોંચ્યો એટલે ગુજરાતમાં વાવેતર 15.71 લાખ હેક્ટર સામે 16.50 લાખ હેક્ટર સુધી પહોંચ્યું છે. વાવેતર પૂર્ણ થશે ત્યાં સુધી તો તેજી ટકવાની છે એ નક્કી છે કારણકે કપાસ અને રુની ભારે તંગી છે અને એમાં ય કોટન કોર્પોરેશન દ્વારા રોજ ભાવ વધારો થઇ રહ્યો છે.
કપાસની આવકો ઠપ થઇ જતા હવે જીનોના મશીન બંધ પડી ગયા છે. જોકે ગુજરાતમાં 30 જૂન સુધીમાં 89.54 લાખ ગાંસડીનું પ્રેસીંગ કરવામાં આવ્યું છે. પાછલા વર્ષમાં આ ગાળા દરમિયાન 86.56 લાખ ગાંસડી બંધાઇ હતી. ગુજરાતમાં 2.98 લાખ ગાંસડી વધારે બંધાઇ છે તેમ ગુજકોટના તાજા આંકડાઓમાં જણાવાયું છે.
રુ નો ભાવ 53 હજારના મથાળે પહોંચ્યો છે છતાં બાંગ્લાદેશમાં નિકાસ સારી છે અને યાર્નમાં પણ ઘરેલુ માગ અને નિકાસ વધારે થતી હોવાથી રુ ના ભાવ હવે નવા પાકની આવક સુધી ઘટે તેમ નથી એવું પણ કેટલાક અગ્રણી જીનર્સો કહે છે.
ખેર, રુ નો ભાવ 53 હજાર થતા જૂના પુરાણા ઘણા સંસ્મરણો ફરી સપાટી પર આવ્યા છે એમ એક બ્રોકર કહે છે. એ વખતે રુનો ભાવ રુ. 65000 સુધી તેજીમાં પહોંચ્યો હતો. પછી થોડાં જ સમયમાં રુ. 30-32 હજાર થઇ જતા અસંખ્ય પાર્ટીઓ નાણાભીડમાં આવી ગઇ હતી. 2005થી 2008ના વર્ષ સુધી કપાસ-રુમાં ભરપૂર કમાણી થતા 2009માં જિનીંગ ઉદ્યોગનો સુવર્ણકાળ હતો. જોકે 2012ની આસમાની-સુલતાનીએ ગણિતો ફેરવી નાંખ્યા હતા. 2012 પછી જિનીંગ ઉદ્યોગનો વિકાસ રુંધાયો છે. પ્રગતિ નથી થઇ અને કમાણીમાં પહેલા જેવો કસ રહ્યો નથી. એક જાણકાર તો એમ કહે છે કે, 2009 વખતે શરું થયેલા હતા તે જીનોમાંથી માંડ 30 ટકા ચાલુ હશે. 20 ટકા આઇસીયુ જેવી સ્થિતિમાં હશે અને 50 ટકા જેટલા તો બંધ થઇ ગયા હશે.