કુશ્તી સંઘ અને પહેલવાનો વચ્ચે ચાલી રહેલા વિવાદમાં રમત મંત્રીના ઘેર પહેલવાનોની મંત્રી અને અધિકારીઓ સાથે એક બેઠક મળી હતી. જેમાં આખાયે મામલાની તપાસ કરવા માટે એક તપાસ સમિતિ રચવામાં આવશે. આ સમિતિ ચાર સપ્તાહની અંદર પોતાની તપાસ પૂર્ણ કરશે અને તપાસ પૂરી ન થાય ત્યાં સુધી સંઘના પ્રમુખ વ્રજભૂષણ સિંહ પોતાના હોદ્દાથી દૂર રહેશે.
આ દરમિયાન પહેલવાન બજરંગ પુનિયાએ કહ્યું કે, કેન્દ્રીય રમત-ગમત મંત્રીએ અમારી માંગણીઓ સાંભળી અને યોગ્ય તપાસનું આશ્વાસન આપ્યું તે બદલ હું તેમનો આભાર માનું છું. અને આશા રાખું છું કે મામલાની તટસ્થ તપાસ થશે. આ સાથે જ પહેલવાનોના ધરણાનો પણ અંત આવ્યો છે. બીજી બાજુ ઈન્ડિયન ઑલિમ્પિક એસોસિએશને પણ પહેલવાનોના આરોપોની તપાસ માટે સાત સભ્યોની કમિટી બનાવી છે જેમાં બોક્સર મેરી કોમ, તીરંદાજ ડોલા બેનર્જી, બેડમિન્ટન ખેલાડી અલકનંદા અશોક, ફ્રી-સ્ટાઈલ કુશ્તીબાજ યોગેશ્ર્વર દત્ત, ભારતીય વેઈટલિફ્ટિંગ મહાસંઘના પ્રમુખ સહદેવ યાદવ અને બે વકીલ સામેલ છે. આ વિવાદની અસર યુપીના ગોંડામાં રમાનારી નેશનલ ચેમ્પિયનશિપ ઉપર પણ પડી છે. ચેમ્પિયનશિપમાં ભાગ લેવા ગયેલા દિલ્હી, હરિયાણા અને પંજાબના અનેક ખેલાડીઓ પરત ફરી રહ્યા છે. આ ટૂર્નામેન્ટમાં સામેલ દિલ્હીના ખેલાડી પ્રદીપ મીણાએ જણાવ્યું કે અત્યાર સુધીમાં 200 પહેલવાનો પરત ફરીચૂક્યા છે. આ લોકોએ નેશનલ ચેમ્પિયનશિપમાં રમવાનો સાફ ઈનકાર કર્યો છે. હવે ગોંડામાં વધુ પહેલવાનો રોકાયા નથી. અમે લોકો દિલ્હીમાં પ્રદર્શન કરી રહેલા પહેલવાનોની સાથે છીએ.