જામનગર શહેર અને જિલ્લામાં વધતી જતી હિટ એન્ડ રનની ઘટનાઓએ શહેરીજનોમાં ફફડાટ વધારી દીધો છે. આવી એક ચાર દિવસ પહેલાં બનેલી ઘટનામાં વિકટોરિયા પુલ પરથી સાંજના સમયે સ્કુટી પેપ પર પસાર થતી મહિલાને પાછળથી પૂરઝડપે આવતી સીયાઝ કારના ચાલકે જોરદાર ઠોકર મારતા ગંભીર ઈજા પહોંચી હતી. શહેરમાં બનેલા આ અકસ્માતમાં પોલીસ ચાર-ચાર દિવસ થયા છતાં કારચાલકને પકડી શકી નથી. બીજી તરફ શહેરમાં સીસીટીવી કેમેરા લગાડેલા છે. તો હજુ સુધી કેમ કારચાલક ઝડપાયો નથી ? શું કારના ચાલક બદલવાની પ્રવૃત્તિ થઈ રહી છે ?
ગંભીર ઘટનાની વિગત મુજબ, જામનગર શહેરમાં જૂની શાકમાર્કેટ પાસેના ભોયવાડામાં રહેતા તૃષાબેન શૈલેષભાઈ મહેતા નામના મહિલા ગત તા.18 ના રોજ સાંજના 4:30 વાગ્યાના અરસામાં તેના જીજે-10-સીએસ-6333 નંબરના સ્કુટી પેપ પર ગુલાબનગર તરફ જતાં હતાં ત્યારે સુભાષબ્રીજ પાસે પહોંચ્યા ત્યારે પાછળથી પૂરઝડપે બેફીકરાઇથી આવતી જીજે-10-બીઆર-4561 નંબરની સીયાઝ કારના ચાલકે મહિલાના સ્કુટી પેપને ઠોકર મારી હડફેટે લેતા મહિલાને શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માત બાદ ચાલક નાશી ગયો હતો. મહિલાને ગંભીર ઈજા પહોંચતા હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં મહિલાની હાલત અતિશય ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું હતું.
દુ:ખદ બાબત એ છે કે મંગળવારે સાંજના સમયે બનેલા હિટ એન્ડ રન કેસમાં આજે ચાર-ચાર દિવસ થયા છતાં હજુ કારના નંબર હોવા છતાં પોલીસ કારચાલકને પકડી શકી નથી. કે પછી પકડવામાં જાણી જોઇને ઢીલી-નીતિ રાખવામાં આવી છે. આ ઘટનામાં તાજેતરમાં જ પીએચડીની પદવી પ્રાપ્ત કરેલા તૃષાબેન ભોય જ્ઞાતિનું ગૌરવ છે અને તેઓ મહિલા પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે. બીજી તરફ અકસ્માતના આ બનાવમાં પોલીસની કામગીરી પહેલેથી જ સંતોષકારક રહી ન હતી અને પોલીસે ફરિયાદ લેવામાં પણ ઢીલી નીતિ રાખી હતી. ઉપરાંત આ કારચાલકે મહિલા પ્રોફેસરને ફૂટબોલ બનાવ્યા તે પહેલા ત્રણ થી ચાર લોકોને હડફેટે લીધા હોવાનું ચર્ચાઈ રહયું છે અને બીજી એક શંકા એવી પણ પ્રવર્તી રહી છે કે પોલીસ દ્વારા કારચાલકની ધરપકડ કરવામાં આવી ન હોવાથી કદાચ કારચાલકને બદલે અન્ય કોઇ વ્યક્તિને આરોપી તરીકે રજૂ કરવામાં આવે ? આ ઘટનામાં ભોય સમાજે ઉગ્ર આક્રોશ સાથે કારચાલક વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા અને ભવિષ્યમાં અન્ય કોઇ વ્યકિત સાથે આવી ઘટના ન બને તે માટે આરોપીને કડક સજા મળે તેવી કાર્યવાહી કરવી જોઇએ. ભોય જ્ઞાતિએ ગઈકાલે એસ.પી.ને આવેદનપત્ર પાઠવ્યું હતું.