2022માં એસીબીએ 176 ભષ્ટ્રાચારના કેસ કર્યા જેમાં સૌથી વધુ 44 કેસ પોલીસ (ગૃહ) ખાતાના કર્મચારીઓ પર નોંધાયા છે. આમ, લાંચ મામલે પોલીસ ખાતું અવ્વલ સાબીત થયું છે. એસીબીએ ભષ્ટ્રાચારના કેસમાં 2022માં 158 સરકારી કર્મચારીને ઝડપી કેસ કર્યા છે. લાંચના મામલે બીજા નંબરે પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને વિકાસ ખાતાના કર્મચારીઓ બીજા નંબરે 32 કેસ સાથે તેમજ મહેસુલ વિભાગ ત્રીજા નંબરે 25 કેસ સાથે આગળ છે. 2021માં લાંચના 173 કેસ એસીબીના ચોપડે નોંધાયા જે વધીને 2022માં 176 થયા હતા. આમ, ગુજરાતમાં ભષ્ટ્રાચાર સતત વધી રહ્યાનું આંકડા પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે. બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા આ મામલે કડક વલણ અપનાવવા કાર્યવાહી કરવા આદેશ હોવા છતાં નાની માછલીઓ લાંચના કેસમાં વધુ સપડાતી હોવાનું તેમજ મોટા મગરમચ્છો (ઉચ્ચ અધિકારી) છટકી જતા હોવાની ચર્ચા ચાલુ છે.
એસીબી (એન્ટી કરપ્શન બ્યૂરો)એ 2022માં ભષ્ટ્રાચારના મામલે 176 કેસ નોંધ્યાની જાહેરાત કરી જેમાં 156 કેસ ટ્રેપ, 12 ડિકોય અને 5 ડી.એ.ના તેમજ ત્રણ સત્તાનો દુરૂઉપયોગ કરી ભષ્ટ્રાચાર કરવાના કેસ છે. આ 176માંથી 11 કેસમાંકેન્દ્ર સરકારના કર્મચારીઓ સંડોવાયેલા છે. જેમાં દસ કેસમાં ટ્રેપ ગોઠવીને લાંચ લેતાં આરોપીઓને રંગે હાથે ઝડપવામાં આવ્યા તેના છે. ભ્રષ્ટ્રાચારના 176 કેસમાં પકડાયેલા કુલ 252 આરોપીઓમાંથી માત્ર 9 આરોપી જ કલાસ વન કક્ષાના છે.
2022માં થયેલા ભષ્ટ્રાચારના 176 કેસમાંથી સૌથી વધુ 44 કેસમાં ગૃહ વિભાગના કર્મચારી (જેમાં પોલીસ ખાતુ પણ આવે છે), ગ્રા.ગૃ. નિર્માણના કર્મચારીઓ પર 32 કેસ અને મહેસુલ વિભાગના કર્મચારીઓ સામે 25 કેસ અને શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણના કર્મચારીઓ પર 13 ભષ્ટ્રાચારના કેસ નોંધાયા છે. આ ચારે વિભાગ અન્ય વિભાગની સરખામણીએ લાંચ લેવાના મામલે અવ્વલ સાબીત થયા છે. નવાઈ લાગે પણ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ પર કરોડોની ખનીજ ચોરી મામલે બેદરકારી દાખવવાના આક્ષેપ થતા હોવા છતાં પણ આ વિભાગનો એક પણ કર્મચારી 2022માં ભષ્ટ્રાચારના મામલે સંડોવાયો નથી કે પકડાયો નથી. આ ઉપરાંત કાયદા, આદિજાતી વિકાસ કલ્યાણ, સામાન્ય વહીવટ, રમત-ગમત,યુવા,સંસ્કૃતિક પ્રવૃત્તિ, વૈધાનિક અને સંસદીય બાબતો, વિજ્ઞાન અને પ્રોધોગિકી અને કલાઈમેન્ટ ચેન્જ વિભાગના કર્મચારીઓ સામે ભષ્ટ્રાચારના એક પણ કેસમાં સંડોવાયા નથી. એસીબીએ 2022માં 26 જેટલી સફળ ટ્રેપ કરીને કુલ રૂ.13,12,300ની રકમની લાંચ માંગતા આરોપીઓને ઝડપ્યા હતા. આ ઉપરાંત પાંચ કેસમાં એસીબીએ રૂ. 4,52,34,619ની મત્તાની અપ્રમાણસર મિલકતો શોધી કાઢી હતી.