છેલ્લાં દશેક વર્ષથી જામનગર જિલ્લાની અલગ અલગ કોર્ટમાં મુદ્તે હાજર ન રહેતાં 73 શખ્સોને જામનગર એલસીબી પોલીસે શોધી કોેર્ટમાં હાજર રખાવવાની કાર્યવાહી કરી હતી. તેમજ હજુ બાકી રહેતાં શખ્સોની તપાસ ચાલુ રાખવામાં આવી છે.
જામનગર જિલ્લાની અલગ અલગ કોર્ટમાં છેલ્લાં દશેક વર્ષથી ચાલી રહેલ કેસમાં મુદ્તે હાજર ન રહેતાં આરોપીઓને હાજર રખાવવા અંગે પ્રિન્સીપાલ ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ એન.આર. જોશી દ્વારા કુલ 158 શખ્સોનું લીસ્ટ બનાવી ઉપરી અધિકારીને સોંપ્યું હતું. આથી કોર્ટની સૂચના મુજબ કાર્યવાહી કરવા પોલીસ મહાનિરીક્ષક રાજકોટ અશોકકુમારની સુચનાથી જામનગર જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુએ છેલ્લાં દશેક વર્ષથી ચાલી રહેલ કેસમાં મુદ્તે હાજર ન રહેતાં આરોપીઓને કોર્ટમાં હાજર રખાવવા અંગે એલસીબીના પીઆઈ વી.એમ. લગારીયાને નોડલ ઓફિસર તરીકે નિમણૂંક કરી આરોપીઓને કોર્ટમાં હાજર રખાવવા સૂચના કરી હતી.
જેને લઇ જામનગર જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનોના સર્વેલન્સ સ્ટાફના માણસોની તથા એલસીબી-એસઓજી, પેરોલ સ્કવોર્ડના માણસોની અલગ અલગ ટીમ બનાવી આરોપીઓની તપાસ હાથ ધરતાં 158 પૈકી 73 શખ્સો મળી આવ્યાં હતાં. જેમાંથી 67 ને કોર્ટમાં હાજર રખાવ્યાં હતાં. જેમાં 10 શખ્સોના વોરંટ ઈશ્યુ થયા હતાં તેમજ ચારના મૃત્યુ થયું હોવાનું જાણવા મળ્યું હતું અને એક શખ્સ હાલ કચ્છ જેલમાં તથા એક શખ્સ જમ્મુ ખાતે જેલમાં હોવાનું જાણવા મળ્યું હતું. આમ, કુલ 73 શખ્સોને શોધી કાઢયા હતાં અને બાકી રહેતાંની તપાસ ચાલુ રાખી છે.
આ સમગ્ર કાર્યવાહી પીઆઇ વી.એમ. લગારીયાના માર્ગદર્શન મુજબ પીએસઆઈ આર.કે. કરમટા, પીએસઆઈ પી.એન. મોરી, એલસીબી સ્ટાફ, એસઓજી, પેરોલ ફર્લો સ્કવોર્ડ, સિટી એ – બી – સી ડિવિઝન પોલીસ સ્ટેશન, પંચ એ – બી ડીવીઝન પોલીસ સ્ટેશન, સિક્કા, મેઘપર, લાલપુર, ધ્રોલ-જોડિયા, કાલાવડ ટાઉન/ગ્રામ્ય, જામજોધપુર, શેઠવડાળાના પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામાં આવી હતી.