ત્રણ વિવાદાસ્પદ કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હીની સરહદો પર ખેડૂતોનું આંદોલન અંતે 14 મહિના પછી ગુરુવારે પૂરું થયું હોવાની સંયુક્ત કિસાન મોરચાએ જાહેરાત કરી હતી. મોરચાએ કહ્યું કે, ખેડૂતો દિલ્હીની સરહદો પર ધરણાં સ્થળેથી 11મી ડિસેમ્બરથી ઘરે જવાનું શરૂ કરશે. કેન્દ્ર સરકારે કૃષિ કાયદાઓ પાછા ખેંચવાની સાથે ટેકાના ભાવ (એમએસપી), મૃતકોને વળતર અને ખેડૂતો સામેના કેસ પાછા ખેંચવા સહિતની ખેડૂતોની તમામ માગણીઓ સ્વીકારી લેતો સત્તાવાર પત્ર આપ્યા પછી આ આંદોલન ખતમ થયું છે.
સરકાર અને ખેડૂતો વચ્ચે એમએસપી, કેસો પાછા ખેંચવા અને ખેડૂત પરિવારોને વળતર મુદ્દે મડાગાંઠ સર્જાયેલી હતી. જોકે, આ ત્રણેય મુદ્દાઓ પર સરકારે ખેડૂતોની માગ માની લીધી હતી. ખેડૂત નેતાઓએ જણાવ્યું કે, આ આંદોલન હાલ મોકૂફ રાખવામાં આવ્યું છે. તે ચળવળનો અંત નથી. સરકાર દ્વારા અમારી માણગીઓ પૂરી કરે છે કે નહીં તે જોવા માટે 15મી જાન્યુઆરીએ સંયુક્ત કિસાન મોરચાની ફરી એક વખત બેઠક યોજાશે. સરકારે પણ ખેડૂતોને ખાતરી આપી છે કે લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી) અંગે રચાનારી સમિતિમાં સંયુક્ત કિસાન મોરચાના સભ્યોનો સમાવેશ કરાશે.
એસકેએમની કોર સમિતિના સભ્ય બલબિરસિંહ રાજેવાલે જણાવ્યું કે, આ ખેડૂત આંદોલનનો અંત નથી. અમે માત્ર તેને મોકૂફ રાખીએ છીએ. અમે 15મી જાન્યુઆરીએ ફરીથી મળવાનો નિર્ણય કર્યો છે. ખેડૂતો 11મી ડિસેમ્બરથી વિજય માર્ચ સ્વરૂપે તેમના ઘરોમાં પરત ફરશે. એસકેએમે છેલ્લા એક વર્ષમાં તેમના આંદોલનના કારણે અસુવિધાનો સામનો કરનારા લોકોની માફી પણ માગી હતી. એસકેએમે બુધવારે જણાવ્યું હતું કે, તેમની અનામત માગો અંગે કેન્દ્ર સરકારની ડ્રાફ્ટ પ્રપોઝલને સર્વસંમતીથી સ્વીકારી લીધી હતી, પરંતુ સરકારના લેટરપેડ પર સત્તાવાર પત્ર તરીકે તેની માગણી કરી હતી. સરકારે ગુરુવારે સવારે એસકેએમને આ પત્ર સોંપ્યો હતો. આંદોલન ખતમ થયું હોવાની એસકેમની જાહેરાત પછી ખેડૂતોએ તેમના ટેન્ટ ઉખાડવાનું શરૂ કર્યું હતું. તેઓ શનિવારથી તેમના ઘરે જવાનું શરૂ કરશે. મોરચાએ 13મી ડિસેમ્બરે સુવર્ણ મંદિર હરમિન્દર સાહિબ ખાતે વિશેષ પ્રાર્થનાની જાહેરાત કરી હતી. ખેડૂત નેતા અને એસકેએમના સભ્ય યોગેન્દ્ર યાદવે જણાવ્યું કે કૃષિ સચિવ સંજય અગ્રવાલે ગુરુવારે સવારે અનામત માગોની વિચારણા સંબંધે પત્ર મોકલ્યો હતો. ખેડૂતો સામેના કેસોના સંદર્ભમાં ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મધ્ય પ્રદેશષ હિમાચલ પ્રદેશષ હરિયાણા તાત્કાલિક અસરથી કેસો પાછા ખેંચશે. એસકેએમ સાથે ચર્ચા-વિચારણા પછી જ સંસદમાં પાવર બિલ રજૂ કરાશે. વધુમાં હરિયાણા અને ઉત્તર પ્રદેશ સરકારોએ ખેડુત આંદોલનમાં માર્યા ગયેલા ખેડૂતોના પરિવારનો વળતર ચૂકવવા સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. તેમણે ઉમેર્યું હતું કે ખેડૂતો શુક્રવારથી ઘરે પાછા ફરવાના હતા, પરંતુ આ દિવસે સીડીએસ જનરલ બિપિન રાવતના અંતિમ સંસ્કાર થવાના હોવાથી ખેડૂતો તેમને શ્રદ્ધાંજલી આપશે અને શનિવારથી તેમના ઘરે પરત ફરશે.
એસકેએમના અન્ય એક નેતા ગુરનામસિંહ ચઢૂનીએ જણાવ્યું કે, 15મી જાન્યુઆરીની બેઠકમાં એસકેએમને એક રાષ્ટ્રીય મોરચા તરીકે રજૂ કરવા અંગે ચર્ચા કરાશે. રાજકારણમાં જોડાવા માગતા ખેડૂત નેતાઓએ એસકેએમ છોડવું પડશે. એસકેએમ બીનરાજકીય સંગઠન તરીકે ચાલુ રહેશે. રાકેશ ટિકૈતે જણાવ્યું કે, અમારા પંચ સંતુષ્ટ છે, તો અમે પણ રાજી છીએ. બધા જ ધરણાં પૂરા થયા પછી ગાઝીપુરના ધરણાં ખતમ થશે.