રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલને પાકિસ્તાની સંગઠનોએ પોતાના નિશાને બનાવી લીધા છે. જૈશ-એ-મોહમ્મદના એક આતંકવાદીએ કબૂલાત કરી છે કે પાકિસ્તાની હેન્ડલરના કહ્યા બાદ તેણે ડોભાલની ઓફિસની રેકી કરી હતી. મીડિયા અહેવાલો અનુસાર આ આતંકવાદીએ સરદાર પટેલ ભવન અને દિલ્હીની ઘણી મહત્વપૂર્ણ જગ્યાઓની રેકી કરી તે બાદ તેના વીડિયો પણ બનાવ્યા. આ મોટા ખુલાસા બાદ ડોભાલની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે અને ઓફિસ અને ઘરની સુરક્ષાને લઈને એજન્સીઓ અલર્ટ થઈ ગઈ છે. નોંધનીય છે કે જે આતંકવાદીએ આ ખુલાસા કર્યા છે તેને છઠ્ઠી ફેબ્રુઆરીએ સુરક્ષાદળોએ ઝડપ્યો હતો અને તે બાદ તેની પૂછપરછમાં આ ખુલાસા સામે આવ્યા છે.
નોંધનીય છે કે સર્જીકલ સ્ટ્રાઈક અને એરસ્ટ્રાઈક બાદથી જ ડોભાલ સતત પાકિસ્તાનની હિટ લિસ્ટમાં છે અને આ મુદ્દે જમ્મૂ કાશ્મીરમાં એક ફરિયાદ પણ નોંધવામાં આવી છે. આતંકવાદી પહેલા દિલ્હી આવ્યો અને તે બાદ NSA ઓફિસની રેકી કરી તથા તે વીડિયો પાકિસ્તાની હેન્ડલરને મોકલી આપ્યો. મલિકે ડોભાલની ઓફિસ અને શ્રીનગર અને અન્ય વિસ્તારનો વીડિયો રેકોર્ડ કર્યો હતો. મલિકે આ વીડિયો પોતાના આકાઓ પાકિસ્તાન મોકલ્યા હતા, જાણકારી મળતા જ સુરક્ષા એજન્સી સતર્ક થઇ ગઇ છે.
મોટા ષડયંત્રના ખુલાસા બાદ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલની સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. જૈશ સાથે જોડાયેલા હિદાયત-ઉલ્લાહ મલિકની પાસેથી ડોભાલની ઓફિસની રેકીનો એક વીડિયો મળ્યા બાદ આ પગલું ભરવામાં આવ્યું છે.