જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં આતંક મચાવનાર શખ્સ સામે અનેક ગુનાઓ નોંધાયા હતાં અને જામનગર એલસીબીની ટીમ આ નામચિન શખ્સ ભાવનગરના ઉમરાણામાં હોવાની મળેલી બાતમીના આધારે ઝડપી લેવા માટે ગઇ હતી. આ શખ્સને ઝડપી લઇ જામનગર લઇ આવતી હતી તે દરમ્યાન ધ્રોલ પાસે શખ્સે એલસીબીના કર્મચારીને ગળે ટૂંપો દઇ નાસવાનો પ્રયાસ કર્યાના કેસમાં અદાલતે 18 સાહેદો અને 20 દસ્તાવેજી પુરાવા તપાસ્યા બાદ સાત વર્ષની સખત કેદની સજા ફટકારી હતી.
આ કેસની વિગત મુજબ જામનગર, રાજકોટ, જૂનાગઢ અને ખાસ કરીને કાલાવડ પંથકના વિસ્તારોમાં અસંખ્ય ગુનાઓ આચરનાર જનકસિંહ ઉર્ફે જખો તખુભા ચૌહાણ નામના શખ્સને ઝડપી લેવા જામનગર એલસીબીની ટીમ વોચમાં હતી. દરમ્યાન આ જનકસિંહ ભાવનગર જિલ્લાના ઉમરાણા તાલુકામાં હોવાની મળેલી બાતમીના આધારે પોલીસવડાની સૂચનાથી એલસીબીના જયુભા ઝાલા, હરપાલસિંહ સોઢા, કરણસિંહ જાડેજા, પ્રતાપ ખાચર, મિતેષ પટેલ, દોલતસિંહ જાડેજા સહિતની ટીમ વેશપલ્ટો કરીને ભાવનગરના ધોળા મુકામે ત્રાટકી હતી અને આ જનકસિંહને દબોચી લઇ જામનગર લઇ આવતા હતાં. તે દરમ્યાન ધ્રોલ નજીક જી.એમ.ક્ધયા વિદ્યાલય પાસે પહોંચ્યા ત્યારે જનકસિંહે હરપાલસિંહ સોઢાની ડોકમાં હાથથી ગળે ટૂંપો દઇ કારનું સ્ટીયરીંગ ફેરવી દેતા કાર રોડ પરથી નીચે ખાડામાં ઉતરી ગઇ હતી અને ત્યારે જ જનકસિંહે પોલીસ કસ્ટડીમાંથી નાસવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ જનકસિંહને એલસીબીએ દબોચી લીધો હતો. આ હુમલામાં એલસીબીના કર્મચારીઓને ગંભીર ઇજા પહોંચી હતી.
આ બનાવનો કેસ જામનગરની સેશન્સ કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ ધર્મેન્દ્ર જીવરાજાનીની ધારદાર દલીલો અને 18 સાહેદોને તપાસી તથા 20 દસ્તાવેજી પુરાવાઓના આધારે આરોપી જનકસિંહ ઉર્ફે જખો તખુભા ચૌહાણને આઇપીસી કલમ 307 અન્વયે સાત વર્ષની સખત કેદની સજા અને પાંચ હજારનો દંડ તથા દંડ ન ભરે તો 2 વર્ષની સાદી કેદ તેમજ કલમ 332 અન્વયે બે વર્ષની અને 224 અન્વયે એક વર્ષની કેદની સજા ફટકારવાનો આદેશ કર્યો હતો.