અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભાની રાષ્ટ્રીય કારોબારી આગામી 12 સપ્ટેબરે જામનગરમાં યોજાશે. આ કારોબારીમાં રાજયના રાજપૂત સમાજના તમામ ધારાસભ્ય તથા મંત્રીઓ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા ઉપસ્થિત રહેશે. કારોબારી બેઠકના આયોજન માટે 7 સપ્ટે. સાંજે 5 વાગ્યે જામનગર જિલ્લા રાજપૂત સમાજ સેવા ભવનમાં જામનગર રાજપૂત સમાજની તમામ સંસ્થાઓને પ્રતિનિધિઓની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.
અંગ્રેજોના શાસન દરમ્યાન દેશના ક્ષત્રિય સમાજના હિત માટે લડત આપવા સ્થાપેલી 124 વર્ષ જૂની આ સંસ્થાની કારોબારીની બેઠકનું જામનગરમાં આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકના આયોજનને લઇને તડામાર તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. કારોબારી બેઠકના આ કાર્યક્રમમાં રાજયના દરેક જિલ્લાના રાજપૂત સંસ્થાઓના પ્રમુખો તથા જુદી-જુદી અન્ય રાજપૂત સમાજના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભા ગુજરાત રાજયના પ્રદેશ અધ્યક્ષ ગોવુભા જાડેજા તથા જામનગર જિલ્લાના પ્રમુખ પ્રવિણસિંહ જાડેજાએ અનુરોધ કર્યો છે.