ભારતમાં ચોમાસાનું સ્વરૂપ બદલાઈ રહ્યું છે દર 10 વર્ષે 1.6 દિવસનો વધારો થાય છે. જેની ખેતી અને અર્થતંત્ર પર અસર પડી રહી છે. ચોતરફ વિનાશ, અચાનક પુર, જેના કારણે હજારો લોકોના મૃત્યુ પામે છે.
કૃષિએ ભારતીયોની જીવનરેખા છે. જુન અને ઓકટોબર વચ્ચે આવતો ચોમાસુ દેશના કુલ વરસાદના લગભગ ત્રણ ચતુર્થાશ વરસાદ પુરો પાડે છે. આઈએમડીના વૈજ્ઞાનિકોએ 1971 થી 2020 સુધીના ડેટાનું વિશ્લેષણ કર્યુ છે. આ અભ્યાસમાં દર્શાવાયું છે કે, દર 10 વર્ષે 1.6 દિવસ વધી રહ્યો છે. ચોમાસુ પહેલાં કરતા લાંબુ ચાલે છે. સામાન્ય રીતે કેરળમાં ચોમાસુ 1 જુનથી શરૂ થાય છે અને 15 જુલાઈ સુધી સમગ્ર ભારતમાં ફેલાય છે. 15 સપ્ટેમ્બરથી 15 ઓકટોબર ચાલે છે પરંતુ હવે આ સમય વધી રહ્યો છે. ખાસ કરીને ઉત્તર-પશ્ચિમ ભારતથી પ્રસ્થાનમાં વિલંબ થઈ રહ્યો છે. આ મુદ્દા પર વૈજ્ઞાનિકોનું માનવું છે કે, વાતાવરણમાં પરિવર્તન અને વધતુ તાપમાન જવાબદાર છે. 1986 થી 2015 ની વચ્ચે ભારતના સરેરાશ તાપમાનમાં દર દાયકામાં 0.15 ડિગ્રી સે.નો વધારો થયો છે જે આવનારા વર્ષોમાં વધુ થઈ શકે છે.
ગ્લોબલ કલાઈમેટ મોડેલ મુજબ તાપમાનમાં એક ડિગ્રીનો વધારો ચોમાસાના વરસાદમાં 6% વધારો કરી શકે છે. એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, દર દાયકામાં સક્રિય ચોમાસાના દિવસોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. જુન અને સપ્ટેમ્બર વચ્ચેનો વરસાદ વર્ષના કુલ વરસાદના 75% જેટલો થાય છે. જ્યારે જૂનથી ઓકટોબર દરમિયાન તે 79% સુધી પહોંચે છે. ચોમાસામાં વિલંબ અને લાંબો સમયગાળો ખેતીના સમયપત્રને વિક્ષેપિત કરી શકે છે. વધુ વરસાદ પુરનું જોખમ વધારી રહ્યો છે. ઓછો વરસાદ દુષ્કાળનું જોખમ વધારી રહ્યો છે. આ ફેરફાર પાણી વ્યવસ્થાપન, બંધ આયોજન અને અર્ધ સંગ્રહને અસર કરે છે.
બદલતા ચોમાસાના સ્વરૂપના પરિણામે સિંચાઈ, જળાશય વ્યવસ્થાપન અને ખાદ્ય સુરક્ષા વ્યૂહરચનાઓ તે મુજબ બદલવી પડશે. હવામાન શાસ્ત્રીઓ, કૃષિ નિષ્ણાંતો અને નીતિ નિર્માતાઓએ સાથે મળી તે કામ કરીને નવી યોજનાઓ બનાવવી જોઇએ. વૈજ્ઞાનિકોનું કહેવું એ પણ છે કે, ચોમાસાના બદલતા સ્વભાવને સમજવા માટે ઉંડા અભ્યાસની જરૂર છે. આબોહવાના આ પરિવર્તનને રોકવા માટે વૃક્ષો વાવવા, પ્રદૂષણ ઘટાડવા અને ટકાઉ ખેતીને પ્રોત્સાહન આપવું જરૂરી છે.


