જામનગર સ્થિત નાગોરી વણિક જ્ઞાતિના તેજસ્વી બાળકો તેમજ જ્ઞાતિના ઉગતા તારલાઓ કે જેમણે રાજય અને રાષ્ટ્રિય કક્ષાએ રમતગમત તેમજ શૈક્ષણિક ક્ષેત્રે સિધ્ધિ હાંસલ કરી છે. તથા જે છાત્રોએ ઉચ્ચ પદવી પ્રાપ્ત કરી છે. તેઓનું મકરસંક્રાતિના દિવસે જ્ઞાતિના મોભીઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
પંચેશ્વરટાવર પાસે આવેલી વિશ્વકર્મા સુથાર જ્ઞાતિની વાડીમાં મકરસંક્રાંતિના પાવન દિવસે યોજાયેલા કાર્યક્રમમાં વર્ષ 2021-22માં શૈક્ષણિક ક્ષેત્રે સિધ્ધિ મેળવનાર ધો. 12 સુધીના બાળકોને સન્માનિત કરી પ્રોત્સાહન પુરસ્કાર આપવામાં આવ્યા હતા. ત્યારબાદ રમતગમત તેમજ શૈક્ષણિક ક્ષેત્રે રાજય અને રાષ્ટ્રિય કક્ષાએ સિધ્ધિ મેળવનાર જ્ઞાતિજનોનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના પ્રારંભમાં ચિ. ખેવનાએ સ્વાગત ગીત રજૂ કર્યુ હતું. જ્ઞાતિના પ્રમુખ અનિલ ભૂતડાએ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ જ્ઞાતિજનોનું સ્વાગત કર્યુ હતું. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ડીવાયએસપી સમીર સારડા ઉપસ્થિત રહયા હતા. તેમણે જ્ઞાતિના બાળકોને શૈક્ષણિક સિધ્ધિઓ બદલ અભિનંદન પાઠવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મંગલેશ ઝવેરી તેમજ ડૉ. શ્રીમતિ જસ્મીના મણિયારે કર્યું હતું. જ્ઞાતિના સ્નેહમિલન સમાન આ કાર્યક્રમમાં ઉપપ્રમુખ અરવિંદ ઝવેરીએ જ્ઞાતિનો અહેવાલ રજૂ કર્યો હતો. આ ઉપરાંત શૈક્ષણિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા માટે મોટી રકમનું અનુદાન આપનાર ગં.સ્વ. મીનાબેન દિલીપભાઇ રાવલ તેમજ તેમના માતુશ્રી ગ.સ્વ. લીલાવંતીબેનને જ્ઞાતિ તરફથી સન્માન પત્ર અને શાલ ઓઢાડી બહુમાન કરવામાં આવ્યું હતું. આ તકે અતિથિવિશેષ તરીકે ઉપસ્થિત પ્રોફેસર કનૈયાલાલ સારડાએ પોતાના વકતવ્યમાં શિક્ષણ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, પ્રવર્તમાન સમયની જરૂરિયાત મુજબ ભાવિ પેઢી ઉચ્ચશિક્ષિત બને તે જરૂરી છે.આ માટે જરૂરી તમામ સહયોગ આપવાની તેમણે ખાતરી આપી હતી. આજના સોશિયલ મીડિયાના યુગમાં સમાજની દરેક ગતિવિધીઓને દરેક જ્ઞાતિજનના ઘર-ઘર સુધી પહોંચાડવા નિ:સ્વાર્થ ભાવે સેવા આપતા પી.જી. મણિયારનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.
જ્ઞાતિ કમિટીના પૂર્વ હોદેદાર સ્વ. તુષાર જે. સારડાના સ્મરણાર્થે જ્ઞાતિમાં એન્જીનિયર, ડૉકટર, પીએચડી, માસ્ટર્સ ડિગ્રી જેવી ઉચ્ચ પદવીઓ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને પણ તેમની પુત્રી ડૉ. વિકુ શાહ સારડા તરફથી સન્માન અને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. જ્ઞાતિના આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિત રહયા હતા. આ કાર્યક્રમમાં જે બાળકોને પુરસ્કાર અને સન્માન જાહેર કરવામાં આવ્યા છે. પરંતુ કોઇ કારણોસર તેઓ ઉપસ્થિત રહી શકયા નથી તેમની પુરસ્કારની રકમ અરવિંદભાઇની દુકાનેથી મેળવી લેવા માટે જણાવવામાં આવ્યું છે. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ જ્ઞાતિના સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું.


