જામનગર તાલુકાના દરેડ ગામમાં મધ્યપ્રદેશથી હાથ બનાવટનો દેશી તમંચો ડીલેવરી કરવા આવેલા શખ્સને એલસીબીની ટીમે તમંચો અને કાર્ટીસ સાથે ઝડપી લઇ હથિયાર સપ્લાયર તથા મંગાવનારના નામો ખુલતા બંનેની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.
મળતી વિગત મુજબ, જામનગર તાલુકાના દરેડ ગામમાં દેશી તમંચો ડીલેવરી કરવા આવવાનો હોવાની એલસીબીના ભગીરથસિંહ સરવૈયા, દિલીપ તલાવડિયા, દોલતસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઈ જે.વી. ચૌધરી, પીએસઆઈ એસ.પી.ગોહિલ તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલાવડિયા, ભગરથસિંહ સરવૈયા, હરદીપભાઈ ધાંધલ, અશોકભાઈ સોલંકી, વનરાજભાઇ મકવાણા, ધાનાભાઈ મોરી, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, અજયસિંહ ઝાલા, શિવભદ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, રાકેશભાઈ ચૌહાણ, કિશોરભાઈ પરમાર, સુરેશભાઇ માલકિયા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બાલાસરા, ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિતના સ્ટાફે વોચ ગોઠવી હતી.
તે દરમિયાન બાતમી મુજબનો શખ્સ પસાર થતા એલસીબીની ટીમે મહેન્દ્ર રાજકુમાર ભગવાનદાસ ખંગાર (રહે.દરેડ, મૂળ મધ્યપ્રદેશ) નામના શખ્સને બસ સ્ટેન્ડ પાસેથી દબોચી લઇ તલાસી લેતા તેના કબ્જામાંથી લાયસન્સ વગરની દેશી બનાવટનો રૂા.10000 ની કિંમતનો તમંચો અને રૂા.200 ની કિંમતની એક કાર્ટીસ મળી આવતા એલસીબીએ કુલ રૂા.10200 ના મુદ્દામાલ સાથે મહેન્દ્રની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરતા આ તમંચો મધ્યપ્રદેશના મીઠુલાલ ભયાલાલ આહિવાલ નામના સપ્લાયરે મોકલ્યો હોવાનું અને દરેડમાં દિનેશ ઉર્ફે દિપક જેઠા ગોહિલ નામના શખ્સને આપવાનું હોવાની કેફીયત આપી હતી. જેના આધારે એલસીબી સપ્લાયર અને મંગાવનારની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.