જામનગર શહેર અને જિલ્લામાં દોઢ દાયકા પૂર્વે આતંક મચાવનાર કુખ્યાત સાતનારી ગેંગના મુખ્ય સૂત્રધાર રાજકોટ જેલમાંથી જામીન પર છૂટયા બાદ ફરાર થઈ ગયો હતો. જેને જામનગર પેરોલ ફર્લો સ્કવોર્ડે ગુલાબનગર ઓવરબ્રીજ પાસેથી દબોચી લઇ રાજકોટની મધ્યસ્થ જેલ ખાતે મોકલવા કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર સહિત સૌરાષ્ટ્રમાં દોઢ દાયકા પૂર્વે આતંક મચાવનાર કુખ્યાત સાતનારી ગેંગનો વલ્લભ ઉર્ફે દિનેશ મનજી ઉર્ફે દેવરાજ વાજેલિયા દેવીપૂજક (રહે. મુંગણી, જી. જામનગર) નામના શખ્સે તેના સાગરિતો સાથે વર્ષ 2008 માં ખંભાળિયાના સામર ગામના વાડી વિસ્તારમાં ધાડ પાડીને ખેડૂત દંપતીની ક્રુરતાપૂર્વક હત્યા નિપજાવી લૂંટના બનાવમાં આજીવન કેદની સજા થઈ હતી. આ સજા દરમિયાન રાજકોટની મધ્યસ્થ જેલમાંથી વચગાળાના જામીન પર મુકત થયા બાદ ફરાર થઈ ગયો હતો. આ આરોપી 2007 મા જામજોધપુર તાલુકાના અમરાપર ગામના વાડી વિસ્તારમાં ખેડૂત દંપતીને બંધક બનાવી માર મારી લૂંટ ચલાવી હતી. કુખ્યાત સાતનારી ગેંગના મુખ્ય સુત્રધાર વલ્લભ ઉર્ફે દિનેશ મનજી અંગેની પેરોલ ફર્લો સ્કવોર્ડના ગોવિંદ ભરવાડ, સલીમ નોયડા, ભરત ડાંગર, કાસમ બ્લોચને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઈ કે.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ એએસઆઈ ગોવિંદ ભરવાડ, હેકો લખધીરસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ જાડેજા, સલીમ નોયડા, કાસમ બ્લોચ, રણજીતસિંહ પરમાર, રાજેશ સુવા, મેહુલ ગઢવી, કરણસિંહ જાડેજા, ભરત ડાંગર, પો.કો. મહિપાલ સાદિયા, ધર્મેન્દ્ર વૈષ્ણવ, અરવિંદગીરી ગોસાઈ તથા એલસીબીના નિર્મલસિંહ જાડેજા, બળવંતસિંહ પરમાર સહિતના સ્ટાફે વોચ ગોઠવી હતી.
દરમિયાન જામનગરના ગુલાબનગર ઓવરબ્રીજ નીચે વલ્લભ ઉર્ફે દિનેશ મનજી હોવાની જાણ થતા પેરોલ ફર્લો સ્કવોર્ડે કુખ્યાત સાતનારી ગેંગના મુખ્ય સૂત્રધારને દબોચી લઇ રાજકોટની મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવા કાર્યવાહી હાથ ધરી હતી. અગાઉ આ આરોપી તેમના છ સાગરિતો સાથે જામનગર જિલ્લા જેલ તોડીને નાશી ગયો હતો.