જામજોધપુર તાલુકાના પરડવા ગામના વાડી વિસ્તારમાં આઠ વર્ષ પહેલાં ધાડપાડુઓએ હુમલો કરી લૂંટને અંજામ આપ્યાના બનાવમાં આઠ વર્ષથી નાસતા ફરતા લિસ્ટેડ આરોપીને મધ્યપ્રદેશથી પેરોલ ફર્લો સ્કવોર્ડે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામજોધપુર પરડવા ગામમાં વર્ષ 2014 માં વાડી વિસ્તારમાં ધાડપાડુઓએ ત્રાટકીને લાકડાના ધોકા વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી સોનાના દાગીનાની લૂંટના બનાવમાં સાત જેટલા ધાડપાડુઓએ આ લૂંટને અંજામ આપ્યો હતો. આ મોડસ ઓપરેન્ડીથી ગોંડલ તાલુકામાં લૂંટને અંજામ આપવામાં આવ્યો હતો. આ ગુનામાં આઠ વર્ષથી નાસતા ફરતા લિસ્ટેડ આરોપી મધ્યપ્રદેશમાં હોવાની પેરોલ ફર્લો સ્કવોર્ડના ગોવિંદ ભરવાડ, સલીમ નોયડા, ભરત ડાંગર, કાસમ બ્લોચને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી એલસીબીઆઈ જે.વી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્કવોર્ડના પીએસઆઈ એલ.જે. મિયાત્રા, એએસઆઈ ગોવિંદભાઈ ભરવાડ તથા હેકો લખધીરસિંહ જાડેજા, કરણસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ જાડેજા, સલીમ નોયડા, કાસમ બ્લોચ, ભરત ડાંગર, રણજીતસિંહ પરમાર તથા પો.કો. મહિપાલભાઇ સાદિયા, ધર્મેન્દ્રભાઈ વૈષ્ણવ, હેકો અરવિંદભાઈ ગોસાઈ, નિર્મળસિંહ જાડેજા, પો.કો. બળવંતસિંહ પરમાર સહિતના સ્ટાફે મધ્યપ્રદેશના મછેલીયા ઘાટ ખાતેથી પુનમસિંહ બુસા પણદા (રહે. મછેલીયા જિ.ધાર, રાજ. મધ્યપ્રદેશ) નામના શખ્સને દબોચી લઇ જામજોધપુર અને ગોંડલ પોલીસને સોંપવા તજવીજ હાથ ધરી હતી.