અમરેલી જિલ્લાના સાવરકુંડલા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને ભાજપ આગેવાન દુર્લભજી કલ્યાણભાઈ જિયાણી(ડી.કે.પટેલ) પટેલ સામે એક મહિલાએ છેડતી કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવતાં ખળભળાટ મચ્યો છે.
એક મહિલાના ઘરમાં ડી.કે.પટેલે ગેરકાયદે પ્રવેશ કરી મહિલા સાથે શારીરિક અડપલાં કર્યાં હોવાની અને ફોન પર બીભત્સ માગણી કરી હોવાનો આરોપ છે. મહિલા તરફથી પોલીસ ફરિયાદ નોંધાવાતાં પોલીસે ફરિયાદ નોંધી ડી.કે. પટેલની શોધખોળ હાથ ધરી છે.
સાવરકુંડલા નગરપાલિકાના ભાજપના સદસ્ય અને પાલિકાના પૂર્વ પ્રમુખ ડી.કે. પટેલ અને મહિલા વચ્ચે વાતચીતની એક કથિત ઓડિયો-ક્લિપ વાઇરલ થઈ છે. મહિલા પાસે બીભત્સ માગણી કરતી ઓડિયો-ક્લિપને લઈ લોકોમાં નેતા સામે રોષની લાગણી ફેલાઈ છે.
ડી.કે.પટેલ સામે મહિલાએ બીભત્સ માગણી અને છેડતી કરી હોવાની ફરિયાદ નોંધાવતાં ભાજપ તરફથી તાત્કાલિક પગલાં લેવામાં આવ્યાં છે. ડી.કે. પટેલને તાત્કાલિક પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દેવાનો આદેશ કરાયો છે.
ડી.કે. પટેલ ભૂતકાળમાં એસીબીની ટ્રેપમાં પણ ફસાઈ ચૂક્યા છે. વર્ષ 2015માં જ્યારે તેઓ સાવરકુંડલા નગરપાલિકાના પ્રમુખ હતા ત્યારે તેમની સામે લાંચ માગવાની ફરિયાદ કરતા એસીબીએ ગુનો દાખલ કર્યો હતો.
થોડા દિવસ પહેલાં જ યોજાયેલી સાવરકુંડલા નગરપાલિકા ચૂંટણી પહેલાં ડી.કે. પટેલ સામે તેના વિસ્તારમાં હિસ્ટ્રીશીટરનાં લાગેલાં બેનર ચર્ચાનું કેન્દ્ર બન્યાં હતાં.