કોરોના મહામારીના આ કપરા સમયમાં જામનગરની ધરતી સમગ્ર કાઠિયાવાડ માટે આશિર્વાદરૂપ પૂરવાર થઇ રહી છે. આપણે સૌને ઉપયોગમાં આવી રહ્યા છીએ. આપણને સૌની સેવા કરવાની તક સાંપડી છે. અને આપણે જોરદાર રીતે આ સેવાકીય ભૂમિકા નિભાવી રહ્યા છીએ. આ બાબતે સમગ્ર જામનગરને અભિનંદન આપવા જોઇએ. સમગ્ર કાઠિયાવાડમાંથી કોરોનાની ભીંસમાં મૂકાયેલાં દર્દીઓ અને તેઓના હજારો પરિવારજનો આપણી ધરતી પર, આપણી હોસ્પિટલમાં ન છૂટકે અતિથિ બન્યા છે.ભારતિય સંસ્કૃતિ પ્રમાણે અને કાઠિયાવાડની વિશિષ્ટ યજમાનગીરીના રૂપમાં આપણે અતિથિ દેવો ભવ: ની ભાવના સાથે સૌ અતિથિઓની શકય એટલી સેવા અને સરાભરા કરી રહ્યા છીએ.
આ પરિસ્થિતિમાં જામનગરની કોરોના હોસ્પિટલ પર કામનું અને જવાબદારીઓનું ભારે દબાણ છે. સમગ્ર આરોગ્ય તંત્ર અને વહિવટી તંત્ર રાતદિન કામ કરે છે. જામનગરની સરકારી અને ખાનગી કોરોના હોસ્પિટલોમાં રહેલાં અને સારવાર મેળવી રહેલાં દર્દીઓ પૈકી 40%થી વધુ દર્દીઓ અને પરિવારજનો જામનગરની બહારથી ખાસ કરીને રાજકોટ, મોરબી, ગીર-સોમનાથ, જૂનાગઢ, અમદાવાદ અને જિલ્લાના તથા પોરબંદરના વિવિધ વિસ્તારોમાંથી જામનગર આવ્યા છે.
હોસ્પિટલ-મેડિકલ કોલેજ સંકુલ તેમજ ધન્વંતરી મેદાન સહિતના વિસ્તારોમાં અન્ય જિલ્લાઓના પાસિંગ નંબર સાથેના વાહનો અને એમ્બ્યુલન્સ સહિતના સાધનો એ વાતની સાક્ષી પૂરે છે કે, જામનગર પર સમગ્ર કાઠિયાવાડની સેવાનો અત્યારે બોજો આવી પડયો છે. અને કોરોના હોસ્પિટલ સહિત સમગ્ર જામનગર આ કપરું યજમાનપદ ખૂબીથી નિભાવી રહ્યું છે.
અત્રે એ નોંધનીય છે કે, મોરબીના તેમજ રાજકોટ સહિતના સેન્ટરોના સંખ્યાબંધ ઉદ્યોગપતિઓ, બિઝનેસમેનો અને સંપન્ન પરિવારો જામનગરની આરોગ્ય સુવિધાઓનો લાભ મેળવી રહ્યા છે. જો કે, આપણાં પક્ષે આ સેવા છે. પરંતુ જામનગરની આરોગ્ય સુવિધાઓનો લાભ મેળવી રહેલાં સંપન્ન અને બહારગામના પરિવારોનું કર્તવ્ય એ છે કે, હાલની કપરી પરિસ્થિતિમાં જામનગરની હોસ્પિટલ સમગ્ર કાઠિયાવાડની વધુ સારી સેવા કરી શકે તે માટે અન્ય સેન્ટરોના સંપન્ન પરિવારોએ જામનગરની હોસ્પિટલને નોંધપાત્ર પ્રમાણમાં સેવાકીય ફંડ એકત્ર કરવામાં આર્થિક સહયોગ આપે એવી જામનગરની લાગણી છે. એવી લાગણી સમગ્ર જામનગર વતી ‘ખબર ગુજરાત’ અત્રે વ્યકત કરી રહ્યું છે.