લાલપુર નજીક રકકા ગામ પાસે માતાજીના દર્શનાર્થે જતા પિતા-પુત્રના બાઇકને પુરઝડપે આવી રહેલી મહેન્દ્ર જીપના ચાલકે ઠોકર મારી હડફેટે લેતા બંનેને ઈજા પહોંચી હતી.
અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના નાઘુના ગામમાં રહેતાં અને બસ ચલાવતા મનસુખભાઈ કાનજીભાઈ વિરમગામા (ઉ.વ.45) નામના યુવાન ગત તા. 1 જાન્યુઆરીના રોજ સાંજના સમયે તેના પુત્ર સોહન (ઉ.વ.14) સાથે તેના જીજે-10-એઆર-9912 નંબરના બાઇક પર નાઘુનાથી રક્કા ગામ ખાતે આવેલા માતાજીના મંદિરે દર્શનાર્થે જતા હતા તે દરમિયાન સમાણા હાઈવે પર પીપરટોડા નજીક પહોંચ્યા ત્યારે સામેથી પૂરઝડપે આવી રહેલી જીજે-06-એએચ-0338 નંબરની જીપના ચાલકે બાઈકને ઠોકરે ચડાવતા પિતા-પુત્ર બાઈક પરથી ફંગોળાઈને નીચે પટકાયા હતાં. અકસ્માતમાં પિતા મનસુખભાઈ અને પુત્ર સોહનને ઈજા પહોંચી હતી ઈજાગ્રસ્ત પિતા-પુત્રને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બનાવની જાણના આધારે એએસઆઈ કે.કે. ચાવડા તથા સ્ટાફે જીપચાલક વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.