ખાતર, ડીઝલ, પાવર અને બિયારણના ભાવો વધવાના કારણે ખેડૂતોની ક્રેડીટ રીકવાયરમેન્ટમાં છેલ્લા બે વર્ષમાં નાટકીય વધારો થયો છે. સંસદમાં રજૂ કરાયેલ આંકડાઓ અનુસાર, ગુજરાતમાં એગ્રીકલ્ચર ક્રેડીટ 2019-20માં 73228.67 કરોડ રૂપિયાની સરખામણીમાં વધીને 2021-22માં 96963.07 કરોડ થઇ ગઇ છે. રસપ્રદ છે કે આ બે વર્ષમાં એગ્રીકલ્ચર ક્રેડીટ હેઠળ લેવાયેલ લોન 45 ટકા વધી છે. કેન્દ્રિય કૃષિ મંત્રાલયના આંકડાઓ અનુસાર આ સમયગાળામાં ખાતા દીઠ એગ્રીકલ્ચર ક્રેડીટ 1.71 લાખ રૂપિયાથી વધીને 2.48 લાખ રૂપિયા થઇ ગઇ છે.
ખેડૂતોનું કહેવુ છે કે ખેડૂતોના દેવા વધવાનું મોટુ કારણ પાકની નિષ્ફળતા છે અને તે ઉપરાંત ખેતીકામની પડતર કિંમતમાં પણ આ સમયગાળામાં નોંધપાત્ર વધારો થયો છે. અમરેલી જીલ્લાના ધારી ગામના એક ખેડૂત અરવિંદ પટેલે આ અંગે સમજાવતા કહ્યું, બે વર્ષ પહેલા ખાતરની એક થેલી 210 રૂપિયામાં આવતી હતી જે અત્યારે 310 રૂપિયામાં મળે છે. આ સમયગાળામાં બિયારણના ભાવ બમણા થઇ ગયા છે આ ઉપરાંત ડીઝલના ભાવો વધ્યા છે. બીજી બાજુ ગયા વર્ષે આવેલા તૌકતે વાવાઝોડાને કારણે અમને થયેલા ભારે નુકશાન માટે સરકાર તરફથી કોઇ રાહત નથી મળી.
કપાસ, તલ અને મગફળીની ખેતી કરતા અરવિંદ પટેલે વધુમાં કહ્યું કે વધારે વરસાદના કારણે પાકની ગુણવત્તાને નુકશાન થવાથી ભાવો ઓછો મળે છે. ખેડૂતોની આવકમાં બધા કારણોને લીધે ઘટી છે, જયારે ઇનપુટ કોસ્ટ વધી ગઇ છે. આ ઉપરાંત ખેડૂતોને પોતાની જૂની લોનો પણ ચુકવવી પડે છે. આ બધાના કારણે તેમણે લેવી પડતી એગ્રીકલ્ચર ક્રેડિટમાં વધારો થાય છે.