જામનગર શહેરમાં હાલ કોરોના મહામારીનું સંક્રમણ તિવ્ર ગતિથી વકરી રહ્યું છે અને આ સંક્રમણ અટકાવવા રાજ્ય સરકાર દ્વારા જામનગર સહિત રાજ્યના 36 શહેરોમાં રાત્રિના 8 થી સવારના 6 સુધી કફર્યૂ લાદવામાં આવ્યો છે અને મંગળવારે આ કફર્યૂની મુદ્ત 12 મે સુધી લંબાવવામાં આવી છે. હાલના કફર્યૂના સમયમાં બંધ રહેલી ઓફિસોમાંથી નાની મોટી ચોરીઓ થવાની ઘટના સામે આવી રહી છે.
કોરોના મહામારીમાં સંક્રમણને અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા મંગળવારે સાંજે રાજ્યના 36 શહેરોમાં રાત્રિના 8 થી સવારે 6 સુધીનો કફર્યૂ જાહેર કરાયો છે. જો કે, ગઈકાલ સુધી 29 શહેરોમાં કફર્યૂ હતો અને આજથી 36 શહેરોમાં કફર્યૂ જાહેર કરાયો છે. હાલ કફર્યુના સમયમાં જામનગર શહેરમાં બંધ રહેલી ઓફિસોમાંથી નાની મોટી ચીજવસ્તુઓની ચોરી થવાની ઘટનાઓ બની રહી છે અને આવી ઘટનાઓમાં મોટાભાગે પોલીસ ફરિયાદ થતી નથી અને આવી નાની નાની ચોરી કરવાથી તસ્કરોને પણ ફાયદો થાય છે. કેમ કે પોલીસ ફરિયાદો ન થવાથી પકડાઇ જવાની બીક રહેતી નથી.
શહેરના મુખ્ય રાજમાર્ગો પર કફર્યૂના સમયમાં મોટાભાગની ઓફિસો કે દુકાનો બંધ રહે છે. આવી બંધ રહેતી દુકાનો અને ઓફિસનો તસ્કરો નિશાન બનાવે છે અને આવી ઓફિસોમાંથી તસ્કરો નાની મોટી 5 થી 25 હજારની કિંમતની ચીજવસ્તુઓની ચોરી કરી જતા રહે છે અને આવી નાની મોટી ચોરીની ફરિયાદો નોંધવામાં દુકાનદાર કે ઓફિસ સંચાલક મોટેભાગે ટાળતા હોય છે. ઘણાં સમયથી હાલમાં શહેરના પોશ વિસ્તારમાં એક તબીબના મકાનમાં ચોરી થયાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો હતો. પોલીસ કફર્યૂ અને સોશિયલ ડિસ્ટન્સીંગના પાલન કરાવવાની કામગીરીમાં હોય જેના કારણે તસ્કરોને પણ મોકળો માર્ગ મળી ગયો છે. પોલીસે આવી નાની-નાની ચોરીઓની ઘટનાઓ અટકાવવા માટે પેટ્રોલિંગ કરવું જરૂરી બની ગયું છે.