જામનગર શહેરના અંધાશ્રમ દવાબજાર કોલોની વિસ્તારમાં રહેતી યુવતી બાજુમાં રહેતા પાડોશીના સગપણ પ્રસંગે ગઇ હોવાનું તેણીના પતિને ન ગમતા બોલાચાલી કરી લાકડી વડે માર મારી દીવાલમાં ભટકાડી ઇજા પહોંચાડ્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ જામનગર શહેરના અંધાશ્રમ દવાબજાર કોલોની વિસ્તારમાં બુધવિહાર ચોકમાં રહેતી સુરેખાબેન ઉર્ફે સોનલબેન પ્રદીપ ધવને (ઉ.વ.24) નામની યુવતીને તેણીના લગ્નજીવન દરમ્યાન તેણીનો પતિ પ્રદીપ અવાર-નવાર બોલાચાલી કરી શારીરિક, માનસિક ત્રાસ આપતો હતો. દરમ્યાન સોમવારે બાજુમાં રહેતા પાડોશીના સગપણ પ્રસંગે સુરેખાબેન ગયા હતાં, જે બાબત તેના પતિ પ્રદીપને ગમતી ન હોય તેથી આ બાબતે ઉગ્ર બોલાચાલી કરી ગાળો કાઢી લાકડી વડે હુમલો કર્યો હતો. ઉપરાંત દિવાલમાં ભટકાડી આંખમાં ઇજા કરી હતી. પતિ દ્વારા અપાતા ત્રાસથી કંટાળેલી પત્ની સુરેખાબેનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં બનાવની જાણના આધારે પીએસઆઇ એન.એમ.ઝાલા તથા સ્ટાફે ઇજાગ્રસ્ત યુવતીના નિવેદનના આધારે તેણીના પતિ વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.