જામનગર શહેરમાં નિલકમલ સોસાયટી વિસ્તારમાં રહેતાં વૃદ્ધની પત્નીનું મૃત્યુ થતા આઘાતમાં પતિએ પણ મધ્યરાત્રિના સમયે તેના ઘરે પંખામાં દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરતાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. જામનગરના પટેલ કોલોની વિસ્તારમાં રહેતાં વૃધ્ધાની તબિયત લથડતા સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું.
આ અંગેની વિગત મુજબ પ્રથમ બનાવ જામનગર શહેરમાં નિલકમલ સોસાયટી શેરી નં.4 માં રહેતાં નુરમામદભાઈ જુસબભાઈ કારેલિયા (ઉ.વ.65) નામના વૃદ્ધના પત્નીનું મંગળવારે મોત નિપજ્યું હતું. પત્નીના મોતના આઘાતમાં પતિ નુરમામદભાઈએ મધ્યરાત્રિના સમયે તેના ઘરે પંખામાં દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. પત્નીના મૃત્યુના કલાકો બાદ પતિએ આપઘાત કરતાં દંપતીના મૃત્યુથી પરિવારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. આ બનાવ અંગેની મૃતકના પુત્ર નઝીર દ્વારા જાણ કરાતા હેકો એચ.જે. પરમાર તથા સ્ટાફે ઘટનાસ્થળે પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલવા કાર્યાવહી હાથ ધરી હતી.
બીજો બનાવ, જામનગર શહેરના પટેલ કોલોની શેરી નં.11 માં રહેતાં નિહારિકાબેન કિશોરભાઈ પુરોહિત (ઉ.વ.70) નામના વૃધ્ધાને પાંચેક વર્ષથી ડાયાબિટીસની બીમારી થઈ હતી અને આ બીમારી સબબ તબિયત લથડતા સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની પ્રવિણભાઈ દ્વારા જાણ કરાતા હેકો વાય.એમ.વાળા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.