વૈભવી લેખન સાધનો મોટાભાગે પશ્ચિમ અથવા દૂર પૂર્વના દેશોની ખાસિયત છે પરંતુ જામનગરના આ પેન નિર્માતાએ વિશ્વભરના ફાઉન્ટેન પેન શોખીનોમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. કનખરા કુટુંબનો આ પારિવારિક વ્યવસાય આજે દેશ અને ખંડોની સરહદો વળોટી ચૂક્યો છે.
આ કુટુંબ બે પેઢીઓ પહેલાં ફાઉન્ટેન પેનના જુદા જુદા ભાગોના ઉત્પાદન સાથે જોડાયેલો હતો પરંતુ આજે તેઓ ઉત્કૃષ્ટ ગુણવત્તાની ફાઉનટેન પેન બનાવે છે એટલું જ નહીં આ પેનના હૃદય અને આત્મા જેવાં -નિબ્સ અને ફીડ્સ પણ જાતે બનાવે છે.
આ પરિવારની બનાવેલી પમેગ્ના કાર્ટાથ ફાઉનટેન પેનની કિંમત સામાન્ય રીતે રૂા. 5,500 થી રૂ. 51,000 ની વચ્ચે હોય છે. અયોધ્યા રામ મંદિરની થીમ આધારિત ડેસ્ક સેટ કે જેમાં ભગવાન હનુમાન કોતરેલી ફાઉન્ટેન પેનનો સમાવેશ થાય છે તેની કિંમત રૂા. 2.5 લાખ જેટલી છે.
જામનગરમાં તેમના કુટુંબની માલિકીના યુનિટમાં ફાઉન્ટેન પેન બનાવવાનો જેમને વિચાર આવેલો એ હિરેન કનખરા એ જણાવ્યું હતું કે, 2004 સુધી અમે ફક્ત બોલ પેન જ બનાવતા હતા. મેં 2005માં જર્મનીમાં યોજાયેલા પેપરવર્લ્ડ પ્રદર્શનની મુલાકાત લીધી હતી. એ સમયે અમારી પાસે અમારા સંગ્રહમાં અમારી બનાવેલી માત્ર એક જ ફાઉન્ટેન પેન હતી. ત્યારબાદ સને 2012માં યુ.એસ.એ.માં એક ગ્રાહકે તેને સૂચન કર્યા પછી તેમણે ફાઉન્ટેન પેન બનાવવાનું વિચારવાનું શરૂ કર્યું.
આ કંપની બોલપોઇન્ટ અને રોલર પેન બનાવતી હતી અને વિવિધ દેશોમાં નિકાસ કરતી હતી પણ પેલા અમેરિકનના સૂચન પછી એમણે સને 2013 માં નક્કી કર્યું કે, હવે આપણે ફક્ત ફાઉન્ટેન પેન જ બનાવશું અને એમ પમેગ્ના કાર્ટાથ બ્રાન્ડ રજિસ્ટર્ડ થઈ.
સને 2016 માં લોસ એન્જલસ ખાતે પ્રથમ વખત પમેગ્ના કાર્ટાથ બ્રાંડ પ્રદર્શિત થઈ ત્યારે કોઈ માનવા તૈયાર નહોતું કે આ પેન મેડ ઈન ઈન્ડિયા છે. આ સમયે એક નિષ્ણાતે સૂચન કર્યું કે, પેનમાં પ્લાસ્ટિકની જગ્યાએ ઇબોનાઇટ ફીડનો ઉપયોગ કરવો જોઈએ, આ ફીડ્સ પ્લાસ્ટિક ફીડ્સ કરતાં વધુ સારો શાહીનો પ્રવાહ આપે છે અને કનખરા પરિવારે સને 2018 માં પહેલી જ વાર ઇબોનાઇટ ફીડ બનાવી.
સારી અને વૈભવી પેન બનાવવા માટે ગુણવત્તાયુક્ત નિબ્સની જરૂર પડે. આપણે હજુ આયાતી નિબ્સ પર આધારિત છીએ પણ કનખરા પરિવાર એ ક્ષેત્રમાં પણ પ્રવેશીને ઉત્પાદન કરવા અને આયાત કરવામાંથી મુક્તિ મેળવવા માંગે છે. પમેગ્ના કાર્ટાથ આજે રોજની લગભગ 35 પેન વેચે છે. તેમાંની વીસેક જેટલી પેન યુરોપ અને અમેરિકાના દેશોમાં નિકાસ થાય છે અને માત્ર 6 થી 7 ભારતમાં વેચાય છે.