પોલીસની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેટિંગ ટીમ(એસઆઈટી)એ બુધવારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું કે ગુજરાતના તોફાનો પાછળ કોઈ મોટું કાવતરું ન હતું. આ તોફાનો દરમિયાન માર્યા ગયેલાં કોંગ્રેસી સાંસદ અહેસાન જાફરીની પત્ની ઝાકિયા જાફરીએ કરેલાં આક્ષેપોના સંદર્ભમાં સીટે સર્વોચ્ચ અદાલતને જણાવ્યું હતું.
જાફરીએ આક્ષેપ કર્યો હતો કે સીટ અને કેટલાક આરોપીઓ વચ્ચે મેળાપીપણું હતું. ગુજરાતના તોફાનોમાં 64 આરોપીઓને એસઆઈટી દ્વારા ક્લીનચીટ આપવામાં આવી હતી તેને ઝાકિયા જાફરીએ ટોચની કોર્ટમાં પડકાર્યું હતું, આ આરોપીઓમાં તે સમયના ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનો પણ સમાવેશ થાય છે. નો પ્રોસિક્યૂટેબલ એવિડન્સ એવું કારણ ટાંકીને સીટે 2012ની ફેબ્રુઆરીમાં આ કેસને ક્લોઝ કર્યો હતો.
એસઆઈટી માટે હાજર થયેલાં વરિષ્ઠ એડવોકેટ મુકુલ રોહતગીએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે, ગુજરાતના તોફાનો પાછળ કોઈ મોટું કાવતરું ન હતું, તેથી નામદાર કોર્ટે ક્લોઝરની મંજૂરી આપવી જોઈએ. જસ્ટિસ એ.એમ. ખાનવિલકર, દિનેશ મહેશ્વરી અને સિટી રવિકુમારની બનેલી બેન્ચ સમક્ષ રોહતગીએ જણાવ્યું હતું કે, કેટલાક સાક્ષીઓને શિખવાડવામાં આવ્યું હતું અને ચળવળકાર તિસ્તા સેતલવાડ દ્વારા નિવેદનો તૈયાર કરવામાં આવ્યા હતાં.