જમીન ઘસવાને કારણે વિનાશના આરે ઊભેલા જોશીમઠને લઈને ઉત્તરાખંડ સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. કેદારનાથની જેમ હવે ઉત્તરાખંડ સરકાર ભૂસ્ખલનથી પ્રભાવિત જોશીમઠનું પણ પુન:નિર્માણ કરશે. ઉત્તરાખંડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેક્રેટરી રણજીત કે સિંહાએ સોમવારે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે ‘જોશીમઠનો તે જ રીતે પુનર્વિકાસ કરવામાં આવશે જે રીતે કેદારનાથનો પુનર્વિકાસ કરવામાં આવ્યો હતો. સીએમએ નિર્દેશ આપ્યો છે કે પર્વતોમાં સ્થિત તમામ શહેરોની વૈજ્ઞાનિક ઢબે તપાસ કરવામાં આવે અને અમે તે મુજબ કરીશું.
જોશીમઠમાં છેલ્લાં 24 કલાકમાં વધુ 44 ઇમારતોમાં તિરાડો પડી છે. જેમાં પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ (પીડબ્લ્યુડી)ના પાંચ રૂમના રેસ્ટહાઉસનો પણ સમાવેશ થાય છે. આ ઇમારતોમાંથી લોકોને સલામત સ્થળોએ ખસેડવાની કામગીરી ચાલી રહી છે. બદરીનાથના પૂર્વ પુજારી ભુવન ચંદ્ર યુનિયાલની માલિકીની હોટેલના બન્કેટ હોલમાં પણ તિરાડો વધી ગઇ છે. અત્યારસુધી સિટી વિસ્તારમાં 826 ઇમારતોમાં તિરાડો પડી ગઇ છે. સીબીઆરઆઇની ટીમ દ્વારા વધુ 17 ઇમારતો અસુરક્ષિત દર્શાવાઇ છે. આ તિરાડ માટે એનટીપીસીને જવાબદાર માની કેટલાક લોકોએ તેના પ્લાન્ટની સામે પણ ધરણાં પર બેઠા હતા.