ગેરકાયદેસર રીતે ઊંચા વ્યાજ દરે રૂપિયાનુ ધિરાણ કરી સામાન્ય નાગરિકો પાસેથી સિક્યુરીટી પેટે લખાવી લીધેલી મિલકતો પચાવી પાડવાની તેમજ ધાક ધમકી આપી લોકો પાસેથી વ્યાજની ઊઘરાણી કરી ગેરકાયદેસર વ્યાજે નાણા ધીરધારનો વ્યવસાય કરનાર વ્યાજખોરો વિરૂધ્ધ સખતમાં સખત પગલા લેવા અને ભોગ બનનારાઓને વ્યાજખોરોના ત્રાસમાંથી મુક્ત કરાવવા રાજ્ય સરકાર કટિબધ્ધ છે.
ગેરકાયદેસર રીતે વ્યાજે રૂપિયા આપી સામાન્ય નાગરિકોની પાસેથી મસમોટુ વ્યાજ ખંખેરતા વ્યાજખોરો વિરૂધ્ધ ગૃહ વિભાગ દ્વારા રાજ્યવ્યાપી વિશેષ ડ્રાઇવ રાખવામાં આવી હતી. જે અંતર્ગત રાજ્યભરમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા ઠેર-ઠેર લોક દરબાર યોજ્યા હતા અને વ્યાજખોરો દ્વારા કરવામાં આવતી હેરાનગતી અંગેની સામાન્ય નાગરિકોની આપવિતી ખુબ જ સંવેદના સાથે સાંભળી ફરિયાદો આધારે વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે.
પોલીસ તંત્ર દ્વારા તા.5 થી તા.31 જાન્યુઆરી 2023 દરમિયાન સમગ્ર રાજયમાં નાણાં ધીરધાર અધિનિયમ-2011 અન્વયે કુલ 847 એફ.આઇ.આર દાખલ કરી 1481 આરોપીઓની સામે ગુના દાખલ કર્યા છે. તે પૈકી 1039 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. એટલુ જ નહિ, માથાભારે વ્યાજખોરો સામે 27 પાસાની દરખાસ્ત કરવામાં આવી છે.બઆ ડ્રાઇવ દરમિયાન પોલીસ દ્વારા કુલ 2389 લોકદરબાર યોજવામાં આવ્યા છે. લોક દરબારમાં કુલ 14,619 પોલીસ અધિકારી/કર્મચારીઓ તેમજ કુલ 1,29,488 વ્યક્તિઓ પ્રત્યક્ષ સહભાગી થયા હતા. આ ઝુંબેશમાં પોલીસ કમિશ્નરો, રેન્જ આઇજીપી, પોલીસ અધિક્ષકો, નાયબ પોલીસ અધિક્ષકો તથા તમામ રેન્કના અધિકારીઓ દ્ધારા લોકદરબારમાં હાજર રહી લોકોને વ્યાજખોરો વિરૂદ્ધ ફરીયાદ કરવાની હિમંત આપી તેમજ લોકદરબારના સ્થળ ઉપર વ્યાજખોરીથી પિડીત લોકોની અરજીઓ/રજુઆતો સાંભળી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. વ્યાજખોરો વિરૂધ્ધમાં ગુજરાત પોલીસ દ્વારા નવતર અભિગમ અપનાવી, રાજયમાં ફક્ત આંકડા દર્શાવવા નહી પરંતુ ખરેખર કામગીરી થાય, પોલીસ અધિકારીઓ લોકોની વચ્ચે જઇ સમજ આપે અને સામૂહિક લોકજાગૃતિ આવે, હિંમત આવે તે માટે કાર્યવાહી કરી છે.