કાલાવડ તાલુકાના નવાગામમાં મૈત્રીકરારમાં રહેતા યુવાન અને યુવતી ઉપર રાજકોટના શખ્સે ઘરમાં ઘુસી તેની બહેનને ઢીકાપાટુનો મારમારી અને યુવાન ઉપર છરી તથા કાતર વડે જીવલેણ હુમલો કરી મારી નાખવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે શખ્સ વિરૂધ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, કાલાવડ તાલુકાના નવાગામમાં રામ મંદિર વાળી શેરીમાં રહેતા અને ખેતી કરતા જસ્મિન ઉર્ફે લાલો બાબુભાઈ તાળા નામના પટેલ યુવાનને નિશા વઘાસિયા સાથે પોણા બે વર્ષથી પ્રેમ હતો અને બન્ને દોઢ વર્ષ પહેલાં મૈત્રી કરાર કરી સાથે રહેતા હતાં પરંતુ, આ મૈત્રી કરાર નિશાના ભાઈ ખોડા જેન્તી વઘાસિયાને પસંદ ન હતો. જેથી રવિવારે રાત્રિના સમયે રાજકોટમાં રહેતો ખોડા જેન્તી વઘાસિયા નામનો શખ્સ તેની બહેનના ઘરમાં ઘુસી જઈ નિશાને પેટના ભાગે મુંઢ માર મારી ઈજાઓ કરી હતી તેમજ જસ્મિનને છાતીના ભાગે છરીનો એક ઘા માર્યો હતો ત્યારબાદ જસ્મિનના ઘરમાં રહેલા સિલાઈ મશીન ઉપર પડેલી કાતર ઉપાડી પેટના ભાગે જીવલેણ ઘા ઝીંકયો હતો અને નિશા તથા જસ્મિનને અપશબ્દો બોલી મારી નાખવાની ધમકી આપી હતી.
મૈત્રી કરાર કરનાર બહેન નિશા અને યુવાન જસ્મિન ઉપર જીવલેણ હુમલો કરાયા બાદ ગંભીર રીતે ઘવાયેલા જસ્મિનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણ થતા પીએસઆઈ એચ.વી. પટેલ તથા સ્ટાફ હોસ્પિટલે દોડી ગયો હતો અને ઘવાયેલા જસ્મિનના નિવેદનના આધારે ખોડા વઘાસિયા વિરૂધ્ધ ઘરમાં ઘુસી હત્યાના પ્રયાસનો ગુનો નોંધી ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.
મૈત્રી કરનાર યુવાન ઉપર યુવતીના ભાઈએ કર્યો જીવલેણ હુમલો
નવાગામમાં રાત્રિ દરમિયાન ઘરમાં ઘુસી કાતર અને છરી વડે હુમલો : દોઢ વર્ષથી મૈત્રીકરારમાં રહેતાં : યુવતીના ભાઈ દ્વારા યુવાનની હત્યાનો પ્રયાસ : બહેનને પણ માર માર્યો