Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરવાવાઝોડા વચ્ચે યોજાયેલી જામ્યુકોની સામાન્ય સભામાં લોકોના પ્રશ્ર્નોની કોઇ ચર્ચા જ ન...

વાવાઝોડા વચ્ચે યોજાયેલી જામ્યુકોની સામાન્ય સભામાં લોકોના પ્રશ્ર્નોની કોઇ ચર્ચા જ ન થઇ

વાવાઝોડાના માહોલ વચ્ચે પણ જામ્યુકોના સત્તાધિશોને બોર્ડ બેઠક અગત્યની લાગી: શું આ સ્થિતિમાં બોર્ડની બેઠક ટાળી શકાય ન હોત ?

- Advertisement -

એક તરફ સૌરાષ્રટ્ર સહિત ગુજરાતમાં તાઉતે વાવાઝોડું તબાહી મચાવી રહ્યું છે. જેની અસર જામનગર જિલ્લામાં પણ આંશિકરૂપે જણાઇ રહી છે. તેમ છતાં જામ્યુકોના સત્તાધિશોએ સામાન્ય સભાની બેઠક યોજીને આશ્ર્ચર્ય સર્જયુ છેે. વાવાઝોડાને પગલે સમગ્ર રાજયમાં રસીકરણ, ટ્રેન વ્યવહાર, બસ વ્યવહાર સહિતની તમામ અગત્યની સેવાઓ અને બેઠકો સ્થગિત કરવામાં આવી છે. તેવા સમયે જામનગર મહાપાલિકાએ માત્ર કમિટીઓના ચૂંટણીના એજન્ડા ધરાવતી સામાન્ય સભા યોજીને સૌ ને આશ્ર્ચર્યમાં ગરકાવ કરી દીધા છે. આવા સમયે લોકોને સહાયરૂપ થવાને બદલે રાજકીય એજન્ડા પાર પાડવા માટે યોજવામાં આવેલી આ બેઠક ભારે ટીકાપાત્ર બની છે.

- Advertisement -

આવી પરિસ્થિતિમાં જામ્યુકોના સત્તાધિશો બોર્ડ બેઠકને એકાદ-બે દિવસ પાછી ઠેલી શકયા હોત અને લોકોને પડતી મુશ્કેલીઓ તરફ ધ્યાન આપી શકયા હોત. પરંતુ ગઇકાલ સાંજ સુધી વાવાઝોડું માથે મંડરાઇ રહ્યું હોવા છતાં સત્તાધિશો દ્વારા બોર્ડ બેઠક અંગે કોઇ જ નિર્ણય લેવામાં આવ્યો ન હતો. આજે સવારે પણ શહેર અને જિલ્લાના અનેક વિસ્તારોમાં 50 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો હતો. જેની અસર હેઠળ શહેરમાં વૃક્ષો ધરાશાયી થવા અને કેટલીક જગ્યાએ વીજપોલ બેવડા વળી જવાની સમસ્યા સર્જાઇ હતી. આ લખાય છે ત્યારે પણ બપોરે 12-30 વાગ્યે શહેર જિલ્લામાંથી વાવાઝોડાની સંપૂર્ણ અસર નાબુદ થઇ નથી.

તેવા સમયે પરિસ્થિતિ પર નજર રાખવાને બદલે સત્તાધિશોએ બોર્ડ બેઠક યોજીને જાણે બુધ્ધિનું દેવાળું ફૂંકયું હોય તેવું લાગી રહયું છે. લોકોમાં પ્રશ્ર્ન ઉઠી રહ્યો છે કે, આવા સમયે કમિટીઓની રચનાના એજન્ડાવાળી બોર્ડ બેઠકની એવી તે શું અગત્યતતા હતી ? કે જામ્યુકોના સત્તાધિશો તેને એકાદ-બે દિવસ પણ મોકુફ ન રાખી શકયા. આશ્ર્ચર્યની વાત તો એ પણ છે કે, રિકવિઝેશન બોર્ડ નહીં બોલાવનાર મેયર સામે બળાપો કાઢનાર વિપક્ષના નેતા અને સભ્ય પણ આ મુદ્ે સત્તાધિશોના નિર્ણયનો વિરોધ કરવામાં ઉણા ઉતર્યા છે.

- Advertisement -

‘ખબર ગુજરાત’ દ્વારા ગઇકાલે જ આ અંગે મેયરનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. પરંતુ બોર્ડ બેઠક અંગે હજુ સુધી કોઇ નિર્ણય લેવાયો નથી. સાંજ સુધીમાં નિર્ણય લેશું તેમ કહીને વાતને ટાળી દીધી હતી. જામ્યુકોના સત્તાધિશોમાં નિર્ણય શકિતનો સ્પષ્ટ અભાવ જોવા મળી રહ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular