એન્જિનિયરિંગનો ઉત્તમ નમૂનો અને આપણી નવી મનોરંજન જગ્યા!
ગઇકાલ, તા. ૨૪-૧૧-૨૦૨૫, જામનગરના ઇતિહાસમાં એક સુવર્ણ દિવસ બનીને રહી. સૌરાષ્ટ્રનો સૌથી લાંબો ઓવરબ્રિજ આખરે શહેરીજનોની સેવા માટે ખુલ્લો મુકાયો. આ ભવ્ય ઓવરબ્રિજ શહેરના ટ્રાફિકને ‘સડસડાટ’ ગતિ આપશે, સમય અને ઇંધણ બચાવશે અને શહેરને આધુનિકતાની નવી ઓળખ આપશે – એવી વહીવટી તંત્રની નેક નિયત હતી, જેના માટે પ્રશાસનની મહેનતને સલામ છે.
પરંતુ, જામનગરના પ્રજાજનોએ આ બ્રિજને જે રીતે આવકાર્યો, તે જોઇને લાગ્યું કે આ ઓવરબ્રિજ ‘ટ્રાફિક સોલ્યુશન‘ ઓછો અને ‘ગ્રેટ ઇન્ડિયન ફેમિલી પિકનિક સ્પોટ‘ વધારે બની ગયો છે!
‘ગાડી ચલાવો કમ, પાર્ક કરો વધારે!‘
જૂના ટ્રાફિકથી કંટાળેલા નાગરિકોને મુક્તિ અપાવવા માટે બ્રિજ બનાવવામાં આવ્યો. પણ, બ્રિજ ખુલ્લા મુકાયાની સાથે જ, લોકોએ બ્રિજ પરના રસ્તાને પોતાનો ખાનગી ‘પાર્કિંગ લોટ‘ સમજી લીધો. ઠેર-ઠેર ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર પાર્ક કરી દેવાયા.
કદાચ આપણા શહેરના લોકો વિચારતા હશે કે:
- બ્રિજની ઉંચાઈ પરથી શહેરનો નજારો જોવા જેવો છે, અને એ માટે ગાડી પાર્ક કરવી ફરજિયાત છે.
- ઓવરબ્રિજ બન્યો તો શું થયું? ટ્રાફિક જામ કરવાની આપણી પ્રાચીન પરંપરા થોડી છોડી દેવાય!
પરિણામે, ટ્રાફિક ઘટાડવાના ઉદ્દેશ્યથી બનેલો આ બ્રિજ, ટ્રાફિકની ‘મેગા જામ’નું કારણ બની ગયો. એન્જિનિયરોએ માથું ખંજવાળ્યું હશે કે, આ બ્રિજનું ડિઝાઇનિંગ અમે ક્યાં ખોટું કર્યું?
સાત રસ્તાની રોશની VS ટ્રાફિકના નિયમોની રોશની
બ્રિજ ખુલ્લો મુકાયો, ત્યારે સાત રસ્તા સર્કલ પાસે થયેલી રોશની અને શણગારની સજાવટે લોકોને આકર્ષ્યા. શહેરમાં મનોરંજન અને પિકનિકના સ્થળો ઓછા હોવાના કારણે, આ ઓવરબ્રિજ સાત રસ્તા પાસેનું આ સ્થળ લોકોને અત્યારે પોતાની નવી અને આકર્ષક પસંદ લાગી રહ્યું છે. પરિણામે, લોકો માટે આ માર્ગ ન રહ્યો, પણ શહેરનો સૌથી મોટો નજારો જોવાની ગેલરી બની ગયો.
બ્રિજની રેલિંગ પર ઊભા રહીને, વચોવચ ગાડી રોકીને, અનેક લોકોએ સ્મિત સાથે પોઝ આપ્યા! સોશિયલ મીડિયા પર સેલ્ફીઓનો વરસાદ વરસી રહ્યો છે. એક ક્ષણ માટે તો લાગ્યું કે, આ બ્રિજ પર સ્પર્ધા ચાલી રહી છે – સૌથી સારો ‘પાર્કિંગ‘ એંગલ અને સૌથી ખતરનાક ‘સેલ્ફી‘ પોઝ કોનો?
વાજબીપણું: જનતાનો સહકાર અને વિકાસનો ખર્ચ
આટલો લાંબો અને ભવ્ય બ્રિજ પ્રશાસન અને વહીવટી તંત્રના અનેક અધિકારીઓની અથાગ મહેનત અને આયોજનનું પરિણામ છે. આ બ્રિજનું નિર્માણ પ્રજાના કલ્યાણ અને સુવિધા માટે થયું છે. આ બ્રિજ આપણા ટેક્સના પૈસા અને સંયુક્ત આયોજનનું પરિણામ છે, જેનો ઉદ્દેશ્ય ટ્રાફિક સમસ્યા દૂર કરવાનો છે.
શું ટ્રાફિક નિવારવા માટે બનેલા બ્રિજ પર પાર્કિંગ કરીને ટ્રાફિક જામ કરવું, અને હસતા મોઢે સેલ્ફી લેવી, તે યોગ્ય છે? જ્યાં સુધી આપણે ખુદ નાગરિક તરીકે આપણી જવાબદારી નહીં સમજીએ, ત્યાં સુધી ટ્રાફિકની સમસ્યા ટકરાતી જ રહેશે – ભલે પછી ગમે તેટલા લાંબા બ્રિજ બને!
ખબર ગુજરાતની જામનગરવાસીઓને અપીલ:
અમારા પ્રિય જામનગરના નાગરિકો, આ ઓવરબ્રિજ આપણા શહેરનું ગૌરવ છે.
- નિર્ણય કરો: આ બ્રિજને ટ્રાફિકની ગતિ વધારવાનું સાધન બનવા દેવો છે, કે સેલ્ફી પોઇન્ટ?
- જવાબદારી સમજો: રસ્તા પર પાર્કિંગ ન કરો. ટ્રાફિકના નિયમોનું પાલન કરો. તમારા એક વ્યક્તિના સંયમથી આખા શહેરના ટ્રાફિકને રાહત મળી શકે છે.
- નિયમો પાર્ક કરો: જો કંઈ પાર્ક કરવું જ હોય, તો બ્રિજ પર તમારા વાહનને નહીં, પણ તમારા સંયમ અને નિયમોનું પાલન પાર્ક કરો.
જો આપણે આટલું ધ્યાન રાખીશું, તો જ આ લાંબો બ્રિજ ખરા અર્થમાં ‘જામનગરનો વિકાસનો માઇલસ્ટોન‘ ગણાશે! આશા છે કે હવેથી આ બ્રિજ પર વાહનોની સ્પીડ વધશે અને સેલ્ફી લેનારાઓની સંખ્યા ઘટશે!


