ગુજરાતમાં ઘણા સમયથી લવજેહાદની ઘટનાઓ બનતી રહી છે. ત્યારે ત્રણ દિવસ અગાઉ એટલે કે 15જુનથી ગુજરાતમાં લવજેહાદનો કાયદો અમલમાં આવ્યો છે ત્યારે વડોદરામાં ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ કાયદા હેઠળ રાજ્યનો પહેલો ગુનો દાખલ થયો છે. ગોત્રી પોલીસ સ્ટેશનમાં નવા સુધારેલા કાયદા પ્રમાણે ગુનો દાખલ થયો છે. મુસ્લિમ યુવકે ખ્રિસ્તી હોવાનું જણાવી યુવતી સાથે સબંધ બાંધી તેની સાથે લગ્ન કર્યા હતા. અને બાદમાં તેણીને મારકૂટ કરી બ્લેકમેલ કરતા મામલો પોલીસ દફતર સુધી પહોચ્યો હતો અને પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરાના ગોત્રી પોલીસ દફતરમાં લવજેહાદનો પ્રથમ ગુન્હો નોંધાયો છે. પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ પીડિતા સોશિયલ મીડીયાના માધ્યમથી સમીર અબ્દુલ કુરેશી નામના સંપર્કમાં આવી હતી. મુસ્લીમ યુવકે યુવતીની સામે ધર્મ છુપાવ્યો હતો. તેણે યુવતીને ખ્રિસ્તી ધર્મનું હોવાનું કહ્યું હતું. અને પોતે માર્ટીન સેમ નામ હોવાનું જણાવ્યું હતું. યુવતીને હોટલમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતુ. જેના બાદ યુવતીના મોબાઈલમાં વીડિયો અને ફોટા ઉતાર્યા હતા. અને આ વિડીઓ અને ફોટો મારફતે યુવતીને બ્લેકમેલ કરી આરોપીએ વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. જેના બાદ બે વખત યુવતી ગર્ભવતી પણ થઈ હતી. યુવતીનું એબોર્શન કરાવ્યું હતું. બાદમાં યુવતી સાથે તેણે બળજબરી પૂર્વક લગ્ન કર્યા હતા. યુવતીએ ધર્મપરિવર્તન કરવાની ના પાડતા યુવકે તેને બળજબરી પૂર્વક મુસ્લિમ ધર્મનો અંગીકાર કરવા દબાણ કર્યું હતું.
આરોપીનું સાચું નામ યુવક સમીર અબ્દુલ કુરેશી છે અને તે તરસાલીનો વતની છે. તેણે યુવતી સાથે લગ્ન કર્યા બાદ મારઝૂડ કરીને તેના જાતિવિષયક અપશબ્દો બોલતા મામલો પોલીસ દફતરે પહોચ્યો હતો. અને બંને વખત યુવતીની મરજી વિરુધ ગર્ભપાત કરાવ્યો હતો. બાદમાં ગોત્રી પોલીસે યુવક સામે બળાત્કાર તથા એટ્રોસિટી એક્ટ અને ગુજરાત ધર્મ સ્વતંત્રતા અધિનિયમ-2021ની કલમો અંતર્ગત ગુનો નોંધીને તેની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.